ભાજપના નેતાની હત્યાનો ભેદ ઉકેલાયો વાપી: વાપી નજીક કોચરવા ગામે 10 વર્ષ જુના ઝઘડાનું વેર વળવા 19 લાખની સોપારી આપી શૈલેષ પટેલની હત્યાનું કાવતરું રચનાર 5 આરોપીઓને વલસાડ પોલીસે દબોચી લીધા છે. પકડાયેલ આરોપીઓમાં 2 સગાભાઈ, કાકા, એક દમણનો ઈસમ તેમજ એક આઝમગઢ ના ટ્રાન્સપોર્ટરનો સમાવેશ થાય છે. જો કે શૈલેષ પટેલની હત્યા કરનાર શાર્પશૂટરો હજુ પોલીસ પકળથી દૂર છે.
5 ઈસમોની ધરપકડ:વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની થયેલી સનસનીખેજ હત્યાનો ભેદ વલસાડ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે હત્યાના માસ્ટર માઈન્ડ એવા કોચરવાના શરદ દયાળ પટેલ ઉર્ફે સદીયો અને તેના બે ભત્રીજા મિતેષ પટેલ અને વિપુલ પટેલ સહીત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સમગ્ર કેસમાં 10 વર્ષ જૂના ઝઘડાનું વેર વાળવા માટે આરોપીઓએ અન્ય રાજ્યના શાર્પશૂટરોને 19 લાખ રૂપિયાની સોપારી આપી હોવાનો પોલીસે ઘટસ્ફોટ કર્યો હતો.
'8 મેના રોજ વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમના પત્ની સાથે રાતા ગામે આવેલા શિવમંદિરે દર્શન કરવા માટે ગયા હતા. પત્ની મંદિરમાં દર્શન માટે ગયા હતા ત્યારે શૈલેષભાઈ પોતાની કારમાં બેઠા હતા. અજાણ્યા શખ્સોએ શૈલેષભાઈ પર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી 4 રાઉન્ડ ફાયરિંગ કરી તેની હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા. શૈલેષભાઈના પત્ની દ્વારા ડુંગરા પોલીસ મથકે 6 શકમંદો અને 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે શરદ ઉર્ફે સદીયો દયાળ પટેલ, વિપુલ ઈશ્વર પટેલ, મિતેશ ઈશ્વર પટેલ, અજય સુમન ગામિત અને સત્યેન્દ્રસિંગ ઉર્ફે સોનુની ધરપકડ કરી છે.' -રાજદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા
10 વર્ષ જુના ઝઘડાની અદાવત: પોલીસના જણાવ્યા મુજબ વર્ષ 2013માં વિપુલ અને મિતેષના પિતા ઈશ્વરભાઈને શૈલેષ પટેલ સાથે ઝઘડો થયો હતો. જેમાં ઈશ્વરભાઈને હેડ ઈન્જરી થતા પેરેલાઈઝ્ડ થયા હતા. શરદ અને વિપુલને પણ જે તે સમયે ઈજા પહોંચી હતી. આ જૂની અદાવતનો ખાર રાખીને 10 વર્ષ બાદ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
19 લાખમાં હત્યાની સોપારી:હત્યાના મુખ્ય સૂત્રધાર શરદ ઉર્ફ સદીયો દયાળભાઇ કોળી પટેલ તથા તેનો ભત્રીજો વિપુલ ઇશ્વરભાઇ પટેલ અને મિતેશ ઇશ્વરભાઇ પટેલ નાઓએ ભેગા મળી કાવતરૂ રચી તેઓના ઓળખીતા દમણના અજયને સોપારી આપી હતી. અજયે વાપીમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સત્યેન્દ્ર સિંગ મારફતે UP ના આઝમગઢ ના 3 શૂટરોનો સંપર્ક કરી 19 લાખમાં શૈલેષ પટેલની હત્યાની સોપારી આપી હતી.
શાર્પશૂટરો પોલીસ પકડથી દૂર:હત્યાના આ કાવતરામાં સોપારી લેનાર ત્રણ શાર્પશૂટરો તે બાદ વાપી આવ્યા હતાં. જેઓની રહેવાની તેમજ આવાગમન માટે બાઇકની વ્યવસ્થા શરદ અને મિતેશે કરી આપી હતી. શાર્પશૂટરો એ શૈલેષ પટેલની રેકી કરી હત્યાને અંજામ આપી બાઇક પર જ નાસી ગયા હતાં.
જેથી પોલીસે 1600 કિમી વિસ્તારના અલગ અલગ સીસીટીવી ચેક કર્યા હતા અને આરોપીઓ સુધી પહોંચી હતી. હત્યાના દિવસે ત્રણ આરોપીઓ એક જ બાઈક પર આવ્યા હતા. જેમાં બે આરોપીઓએ રેકી કરી હતી અને ત્રીજો આરોપી મંદિર પાસે ઉભો હતો.
આરોપીઓના 6 દિવસના રિમાન્ડ:પકડાયેલા આરોપીઓમાં વિપુલ ઇશ્વર પટેલ તથા મિતેષ પટેલ તથા શરદ પટેલ વિરૂધ્ધ વાપી ટાઉન તથા ડુંગરા તથા પારડી પો.સ્ટે.માં રાયોટીંગ, હત્યાનો પ્રયાસ અને કુલ 3 ગુન્હા નોંધાયેલ છે. જયારે આરોપી અજય ગામીત વિરૂધ્ધમાં હત્યાના પ્રયાસનો એક ગુન્હો તથા પ્રોહીબીશનના ગુન્હાઓ નોંધાયેલ છે. હાલ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
- Surat Suicide Case : સુરતમાં 5 વર્ષની દીકરીની માતાએ આત્મહત્યા કરતા પરિવારમાં સોપો પડી ગયો
- Delhi Murder Case: સગીર બાળકીની હત્યાના આરોપી સાહિલના બે દિવસના પોલીસ રિમાન્ડ