વાપી વાસીઓએ કોરોના કાળમાં પણ 9.76 કરોડનો વેરો ભર્યો, તેમ છતાં પાયાગત સુવિધાથી વંચિત
વલસાડ જિલ્લામાં જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં વાપી નગરપાલિકાએ વિક્રમ સર્જ્યો છે. કોરોના મહામારીના સમયમાં પણ પાલિકાએ કુલ 12.80 કરોડના મિલકત વેરા સામે 9.76 કરોડની વસુલાત કરી છે. જોકે, આ સિદ્ધિને વિપક્ષી નેતાએ આવકારી આક્રોશ ઠાલવ્યો હતો કે, નગરજનોએ પાલિકાને આટલી આવક કરી આપ્યા બાદ પણ પાલિકાના સત્તાધીશો પાયાગત સુવિધાથી લોકોને વંચિત રાખી રહ્યા છે.
વલસાડ: જિલ્લામાં વાપી નગરપાલિકાએ 31મી ઓગસ્ટ સુધીમાં જ નાણાંકીય વર્ષ 2020-2021ના કુલ 12.80 કરોડના મિલકત વેરા સામે 76.80 ટકા રિકવરી સાથે 9.76 કરોડનો વેરો વસુલ્યો છે. આ અંગે વાપી નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે વિગતો આપી હતી કે, નાણાંકીય વર્ષ એપ્રિલથી શરૂ થયું હતું અને દેશમાં માર્ચથી કોરોના મહામારીની શરૂઆત થઈ હતી. તેમ છતાં વાપીના નગરજનોએ અદમ્ય ઉત્સાહ બતાવી પાલિકાની તિજોરીમાં વિક્રમી આવક જમા કરાવી છે.
પ્રમુખના જણાવ્યા મુજબ એપ્રિલ-મે માસમાં પાલિકામાં કોમર્શિયલ ટેક્સ અને હાઉસ ટેક્સ મળી કુલ 25 લાખની રકમ જમા થઈ હતી. જે બાદ જુનમાં પાલિકાના 5 ટકા રિબેટ અને ગુજરાત સરકારની 10 અને 20 ટકા હાઉસ ટેક્સ, કોમર્શિયલ ટેક્સમાં રાહતની જાહેરાત કર્યા બાદ જુનમાં 5.28 કરોડ, જુલાઈમાં 1.80 કરોડ, ઓગસ્ટમાં 2.80 કરોડ મળી કુલ 31મી ઓગસ્ટ સુધીમાં 9.76 કરોડનો મિલકત વેરો નગરજનોએ પાલિકામાં ભર્યો છે. પાલિકાના કુલ 12.80 કરોડના મિલકત વેરા સામે લોકોએ કોરોના મહામારીમાં ધંધા રોજગાર ઠપ્પ હોવા છતાં પાલિકાની તિજોરી છલકાવી દીધી છે. ત્યારે આગામી દિવસોમાં આ સ્વ ભંડોળમાંથી રસ્તાના અને અન્ય વિકાસના કામો કરવામાં આવશે, તેવી ખાતરી પાલિકા પ્રમુખે આપી હતી.