- વાપી ડિવિઝન પોલીસે 400થી વધુ પીધેલાઓની અટક કરી
- વાપી ટાઉન પોલીસે સર્વાધિક 200 ઉપરાંત પીધેલા પકડ્યા
- દમણ, સેલવાસ, મહારાષ્ટ્રમાં દારૂ પાર્ટી કરીને આવેલાઓની 31st બગડી
વાપી: વલસાડ જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ડીસેમ્બરે 80 ટકા પોલીસ સ્ટાફે પીધેલાઓને પકડવાની કામગીરી બજાવી હતી. વર્ષ 2020ના છેલ્લા દિવસે દમણ સેલવાસ મહારાષ્ટ્રમાં દારૂની મહેફિલ માણી પરત ગુજરાતમાં પ્રવેશેલા લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વર્ષ 2020 ના અંતિમ દિવસે એટલે કે, થર્ટી ફર્સ્ટ ડીસેમ્બરે પાર્ટીમાં નાચગાન સાથે દારૂની મહેફિલ માણવા હજારો લોકો દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રમાં ધામા નાખે છે. આ પ્રદેશો લિકર ફ્રી હોવાથી ગુજરાતમાંથી સુરતીલાલાઓ, અમદાવાદીઓ અને અન્ય જિલ્લાના લોકો ખાસ થર્ટી ફર્સ્ટના દારૂની મહેફિલ માણવા આવે છે. જેવો દારૂ પાર્ટી કરી પરત ગુજરાતમાં આવે છે, ત્યારે આ સિલસિલાને રોકવા અને દારૂના દૂષણથી લોકોને દૂર રાખવા ગુજરાત પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે પીધેલાઓને પકડી કાયદાનો પાઠ ભણાવે છે.
વાપી ટાઉને 202થી વધુ પીધેલા પકડ્યા
દર વર્ષે ગુજરાતમાં વલસાડ પોલીસ પીધેલાઓને પકડવાની કામગીરીમાં અવ્વલ નંબર મેળવતી હોય છે. વલસાડ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લાના તમામ પોલીસ મથકના 80 ટકા કર્મચારીઓ વિવિધ ચેકપોસ્ટ પર ગોઠવાઈ ગયા હતા. જેમાં દમણથી દારૂ પીને ગુજરાતમાં પ્રવેશતા લોકોને ચલા ચેકપોસ્ટ, કચીગામ ચેકપોસ્ટ અને અન્ય ચેકપોસ્ટ પર બ્રેથ એનેલાઈઝર દ્વારા આલ્કોહોલ પ્રમાણ ચેક કરી અંદાજિત 202 જેટલા પીધેલાઓની અટક કરી હતી.
પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ અટકાયત કરી
જયારે સેલવાસમાંથી અને મહારાષ્ટ્રમાંથી દારૂ પીને નીકળેલા લોકોની ઉમરગામ, ભીલાડ પોલીસ સ્ટેશન તેમજ ડુંગરા પોલીસે અટક કરી હતી. જેમાં ઉમરગામમાં 80થી વધુ, ભિલાડમાં 86થી વધુ અને ડુંગરા પોલીસે 60 થી વધુ પીધેલા લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે જીઆઇડીસી પોલીસે પણ 60 જેટલા પીધેલાઓની અટકાયત કરી હતી.