વાપીઃ દેશમાં ફેલાતી દરેક મહામારી વખતે આવા રોગીઓના સંપર્કમાં આવનારા ડૉક્ટરો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ કર્મચારીઓને ઘણી વાર દર્દીનો ચેપ લાગ્યા બાદ તે આવા રોગના કેરિયર બનતા હોય છે. સ્વાઇન ફલૂ વખતે આવા અસંખ્ય કેસ સામે પણ આવ્યાં હતા. ત્યારે કોરોનાની મહામારી વખતે આ અંગે ખાસ સાવચેતી રાખવામાં આવી છે.
કોરોના વાઈરસથી બચવા વાપી પોલીસ મથક બહાર મુકાઈ ફરિયાદ પેટી
કોરોનાના કહેરમાં રાજ્યમાં 2થી વધુ લોકોએ એકઠા નહિ થવાનું ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. તમામ પેસેન્જર વાહનો બંધ કરાયા છે. ભીડભાડવાળા સ્થળો પર સંચારબંધી લગાવાઈ છે. વિવિધ ફરીયાદોને લઈને પોલીસ મથકમાં આવતા અરજદારોથી પોલીસ કર્મચારીઓમાં કોરોનાનો ચેપ ન લાગે તે માટે પોલીસ મથક બહાર જ ફરિયાદ પેટી મૂકી ફરિયાદ લેવામાં આવી રહી છે. તેમજ તમામ સ્ટાફે ફરજીયાત હેન્ડ સેનેટાઇઝરથી હાથને સ્વચ્છ કરે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.
વાપીમાં વાપી પોલીસ મથક સહિતના તમામ પોલીસ મથકના સ્ટાફને માસ્ક અને હેન્ડ-ગ્લોવ્ઝ પહેરી રાખવાની સૂચના અપાઈ છે. આ સાથે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા આવતા ફરિયાદીઓમાં જો કોઈ કોરોનાગ્રસ્ત ફરિયાદી હોય તો આ વાઈરસ સ્ટાફમાં ફેલાય નહિ તે માટે હાલ પોલીસ મથક બહાર ખાસ ફરિયાદ પેટી મુકવામાં આવી છે. જ્યાં 1થી 2 પોલીસ કર્મચારી ફરિયાદીની ફરિયાદ નોંધી રહ્યા છે.
લોકડાઉનને કારણે શહેરમાં પેટ્રોલિંગ કરી પરત આવતા કર્મચારીઓ પણ આ વાયરસનો ચેપ અન્ય કર્મચારીને ન લગાવે તે માટે ખાસ હેન્ડ સેનેટાઇઝરથી હાથને સ્વચ્છ કરવા માટે, મોઢે માસ્ક લગાવવા અને હાથ મોજાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કહેવાય છે કે, ચેતતા નર સદા સુખી એટલે હાલ કોરોના સામે આ એક જ રામબાણ ઈલાજ છે. તેનું પાલન જો આપણે સૌ કરશું તો ચોક્કસ આ વાઈરસના ચેપથી આપણે પણ બચી શકીશું અને બીજાને પણ બચાવીશું.