ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત અગ્નિકાંડ બાદ વાપી તંત્રમાં દોડધામ, 33 મિલકતોને નોટીસ - 33 assets band

વાપીઃ સુરતમાં બનેલી ગમખ્વાર આગની ઘટના બાદ ગુજરાત સરકાર અને સરકારી તંત્ર સફાળું જાગ્યું છે. જે અંતર્ગત વાપી શહેરી વિસ્તાર અને નોટિફાઇડ વિસ્તારમાં ફાયર સેફટી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરતની ઘટના બાદ વાપીમાં તંત્ર હરકતમાં, 33 મિલકતોને પાઠવી નોટિસ

By

Published : May 25, 2019, 7:26 PM IST

આ ઝુંબેશમાં પાલિકાએ 33 મિલકત ધારકોને નોટિસ બજાવવામાં આવી છે. જ્યારે નોટિફાઇડ હજુ પણ સુસ્ત બની માત્ર સુરતની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરે છે. વાપીમાં પણ ફાયર વિભાગ પાસે જરૂરી સાધનોનો અભાવ હોવાનું પણ સામે આવ્યું છે.

એશિયાની બીજા નંબરની સૌથી મોટી GIDC અને વાપી નગરપાલિકા વિસ્તારમાં નાની મોટી આગની ઘટનાઓ મોટાભાગે દર સપ્તાહમાં ત્રણ વાર બનતી હોય છે. તે માટે વાપી નારગપાલિકા ફાયર, વાપી નોટિફાઇડ ફાયર, સરીગામ ફાયર વિભાગ સતત સજ્જ બની દોડતું રહે છે. પરંતુ, સુરતની ઘટના બાદ જ્યારે ફાયર સેફટી અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે, વાપી નગરપાલિકા, વાપી નોટિફાઇડ અને સરીગામ ફાયર વિભાગ પાસે 40 ફૂટથી ઉંચી સીડી જ નથી.

જ્યારે સુરતની ઘટનામાં જે રીતે બાળકોએ ઉપરથી છલાંગ લગાવી તે રીતે છલાંગ લગાવે તો તેને પકડવા માટે માત્ર નોટિફાઇડ પાસે જ નેટ છે. બાકીના પાસે આવી કોઈ સામગ્રી જ નથી. વાપીમાં 10 માળ સુધીની હાઇરાઈઝ ઇમારતો આવેલી છે. જેમાં ઉપરના માળે આગ લાગે તો વાપીના તમામ ફાયર વિભાગ પાંગળા સાબિત થઈ શકે તેમ છે. નગરપાલિકાએ શનિવારે ફાયર વિભાગમાં જરૂરી તમામ સાધનોનું લિસ્ટ બનાવવા સૂચના આપી છે. અને તે વહેલી તકે વસાવવા ખાતરી આપી છે. એ સિવાય પાલિકાએ વિસ્તારમાં ખાસ ટીમ બનાવી 52 જેટલી મિલકતોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. 33 મિલકતોમાં ફાયર સેફટીનો અભાવ હોવાનું જણાતા તે તમામને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં 7 ટ્યુશન કલાસીસ, 8 રેસ્ટોરન્ટ, 7 સ્કૂલ, 10 જેટલી હોસ્પિટલ, 4 થી વધુ એપાર્ટમેન્ટ ધારકોને આ નોટિસ પાઠવવામાં આવી છે. વાપી શહેરમાં 49 જેટલા ટ્યુશન કલાસીસ, નર્સરી અને શાળાઓ આવેલી છે. જેમાં સુરતની ઘટના બાદ નગરપાલિકાએ તપાસ હાથ ધરી છે પરંતુ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં મારવા સમાન આ કામગીરી હતી.

પાલિકાએ હાલ જાહેર જનતાને અપીલ કરી છે કે, તેઓ પાલિકાને સહકાર આપે અને પોતાની મિલકત કે અન્ય સ્થળોએ ફાયરની સુવિધાની NOC મળવે, આગ લાગે તો શું કરવું તે અંગે યોગ્ય માહિતી મેળવે. તો ફાયર સેફટી અંગેની આ ઝુંબેશ આગામી 15 દિવસ સુધી ચાલશે અને જેઓને નોટિસ આપ્યા બાદ જો ફાયર સેફટીના સાધનો નહીં વસાવે તો આવી મિલકતોની સિઝ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે તેવું નગરપાલિકા ચીફ ઓફિસર દર્પણ ઓઝા અને સીટી એન્જીનીયર કલ્પેશ પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત જે હાલ નગરપાલિકા વિસ્તારમાં છે, તેવા જ હાલ વાપી નોટિફાઇડ વિસ્તારમાં પણ છે. વાપી નોટિફાઇડ વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા 11 ટ્યુશન કલાસીસ પર અને રહેણાંક વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જેમાં મોટાભાગના ટ્યુશન કલાસીસ બંધ હોવાને કારણે ડેલીએ હાથ દઈ ટીમ પાછી આવી ગઈ હતી. નોટિફાઇડ વિસ્તારમાં એક્ઝિક્યુટિવ એન્જીનીયર અરુણ પટેલે જણાવ્યું હતું કે, નોટિફાઇડ વિસ્તારમાં એકપણ ટ્યુશન કલાસીસ સંચાલકે ફાયરની મંજૂરી લીધી નથી. જ્યારે મોટાભાગના ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફટીના સાધનો છે. તેમ છતાં ચોક્કસ કેટલા લોકો પાસે છે તે આંકડો હાલમાં ઉપલબ્ધ નથી. જે અંગે આગામી દિવસોમાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવશે. અરૂણ પટેલે સુરતની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી ,આ ઘટના ગુજરાતમાં પ્રથમ વખત બની હોવાનું જણાવી આવી ઘટનાઓ ન બંને તે માટે સજ્જ થવું જરૂરી હોવાનું જણાવ્યું હતું.

સુરત અગ્નિકાંડ બાદ વાપી તંત્રમાં દોડધામ, 33 મિલકતોને નોટીસ

ઉલ્લેખનીય છે કે વાપી ઔદ્યોગિક વિસ્તારમાં નોટિફાઇડ હસ્તકના ફાયર વિભાગમાં છેલ્લા 1 એપ્રિલ 2018 થી 25 મેં 2019 સુધીમાં 189 આગના કોલ આવ્યા છે. જેમાં નોટિફાઇડ સિવાયના વિસ્તારમાં 40 કોલ આવ્યાં છે. જ્યારે આગની ઘટનામાં 34 રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. નવાઈની વાત એ પણ છે કે, વાપીમાં મોટાભાગની આગની ઘટનાઓ આ વિસ્તારમાં ધમધમતા ભંગારના ગોડાઉનમાં લાગી છે. અને તે તમામ ગોડાઉનમાં ફાયર સેફટીનો તદ્દન અભાવ છે. એ ઉપરાંત વાપી અને સરીગામની કેટલીક ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝમાં પણ સેફટીના નામે લોલમલોલ ચાલતું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે, આશા રાખીએ કે, સુરતની આ ગમખ્વાર ઘટના બાદ વલસાડ જિલ્લામાં પણ લોકો, ઉદ્યોગકારો, સરકારી તંત્ર જાગે અને ફાયર સેફટીના જરૂરી સાધનોને બનતી ત્વરાએ વસાવે.

ABOUT THE AUTHOR

...view details