- વાપીમાં 2.60 કરોડના ખર્ચે ત્રણ સોલાર પ્રોજેક્ટ
- 440 KV વીજળી મેળવવામાં આવશે
- ફિલ્ટ્રેશન, સિવેઝ પ્લાન્ટ પર લાગશે સોલાર પેનલ
વાપી: નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારથી ગુજરાતના સોલાર બેઝ સૌરઉર્જા પ્લાન્ટનું સપનું સેવ્યું હતું. હાલમાં ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ અમદાવાદ પાસે સરદાર સરોવર કેનાલ પર છે. એ ઉપરાંત પણ અનેક નાના મોટા સોલાર પ્લાન્ટ ગુજરાતમાં છે. આવો જ સોલાર પ્લાન્ટ હવે વાપીમાં પણ તૈયાર થવા જઈ રહ્યો છે.
વાપીમાં 2.60 કરોડના ખર્ચે ત્રણ સોલાર પ્રોજેક્ટ
વાપી નગરપાલિકામાં આગામી દિવસોમાં 2.60 કરોડના ખર્ચે ત્રણ સોલાર પ્રોજેક્ટ સ્થાપી 440 KV વીજળી મેળવવાની કામગીરી હાથ ધરાય છે. આ અંગે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે વિગતો આપી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્તમાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પરિવર્તનશીલ, પારદર્શક અને પરિણામલક્ષી કાર્ય કરી નવી પહેલ કરી છે. તેમણે ફિલ્ટ્રેશન પ્લાન્ટ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય તેવા સ્થળે સોલાર પ્લાન્ટ લગાવી તેમાંથી વીજળી ઉત્પન્ન કરી તે વીજળીનો પ્લાન્ટમાં વપરાશ કરી વીજ ખર્ચ પર કાપ મુકવાનું આયોજન હાથ ધર્યું છે.