વાપી: કોરોના વાઇરસનો કહેર યથાવત છે, ત્યારે વાઇરસના પડકાર સામે વાપી નગરપાલિકા સજ્જ બની છે. પાલિકા દ્વારા શહેરના લોકોને સાવચેત રહેવાની અપીલ કરતી ખાસ મોબાઇલ વાન શરૂ કરવામાં આવી છે. જેમાં વાઇરસના લક્ષણો અને બચવાના ઉપાયો સાથેના પોસ્ટરો લગાવી કિર્તીદાન ગઢવીના 'કોરોના જટ ભાગે' ગીતથી જન જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ સાથે જ શહેરમાં જાહેરમાં થૂંકતા લોકોને 100, 200 કે 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે.
વાપી નગરપાલિકાએ કોરોના અંગે જાગૃતિ ફેલાવવા મોબાઈલ વાન શરૂ કરી સમગ્ર વિશ્વને બાનમાં લેનારા કોરોના વાઇરસ અંગે ભારત સરકાર પણ સજાગ બની લોકોને આ વાઇરસથી બચવા અપીલ કરી રહી છે. દરેક રાજ્ય, જિલ્લા અને શહેરમાં તંત્ર દ્વારા ખાસ પરિપત્ર બહાર પાડ્યા છે, ત્યારે વાપીમાં નગરપાલિકા પણ સજ્જ બની છે. વાપીમાં કોરોના વાઇરસથી લોકોને જાગૃત કરવાના અભિયાન અંગે સેનેટરી ઇન્સ્પેક્ટર ચેતનસિંહ પરમારે જણાવ્યું હતું કે, વાપીમાં સરકારના આદેશ મુજબ તમામ મોલ, સિનેમા, જિમ, સ્વિમિંગ પૂલ જેવા સ્થળોને બંધ કરાવ્યા છે. આ સાથે જ લોકોને ભીડથી દૂર રહેવાની અને કોરોના વાઇરસથી બચવાના ઉપાયો અંગેના ખાસ બેનરો, પત્રિકાઓ, સ્ટીકરો શહેરમાં લગાવ્યા છે. જનજાગૃતિ માટે એક મોબાઇલ વાન શરૂ કરી છે. જેમાં કિર્તીદાન ગઢવીના કોરોના જટ ભાગે ગીતને વગાડી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.આ ઉપરાંત લોકોમાં સ્વચ્છતા અંગે પણ જાગૃતિ આવે તે માટે જાહેરમાં મુકવા પર પાંચસો રૂપિયાનો દંડ વસૂલવાના બેનરો લગાવી તે વસૂલવામાં આવી રહ્યો છે. ત્રણ દિવસમાં પાલિકાની ટીમે 21 જેટલા લોકો પાસેથી જાહેરમાં થૂંકવાના દંડ પેટે પાંચ હજાર જેટલી રકમ વસુલી છે. જેમાં લોકોનો કચવાટ સામે આવ્યો છે. એટલે દરેક પાનના ગલ્લે અને જાહેર સ્થળો પર ખાસ સ્ટીકરો ચીપકાવવામાં આવ્યા છે.વાપી નગરપાલિકા દ્વારા નગરપાલિકામાં કામ અર્થે આવતા લોકો માટે ખાસ હેન્ડ સેનીટાઇઝરની વ્યવસ્થા કરી છે. એટલે પાલિકામાં પ્રવેશતા લોકો પહેલાં હેન્ડ સેનિટાઇઝરથી તેના હાથને સ્વચ્છ કરે છે અને કોરોના વાઇરસ પ્રત્યે સજાગ રહે છે. નગરપાલિકા દ્વારા લોકોને ભીડથી દૂર રહીને એકબીજા સાથે હાથ મિલાવવાને બદલે નમસ્કાર કરવાની અપીલ પણ કરવામાં આવી રહી છે.