વાપીઃ સમગ્ર રાજ્યમાં 11મી ઓગસ્ટથી માસ્ક નહીં પહેરનાર વ્યક્તિ પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. આ જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરી છે. ત્યારે, આ અંગે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વ આખું કોરોના મહામારીના સંક્રમણથી લડી રહ્યું છે. કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે, આ વાઈરસની રોકથામ માટે સરકારે કેટલાક પગલાં સુનિચ્ચીત કર્યા છે.
હવે માસ્ક ન પહેરાઓને રૂ. 1000નો દંડઃ વાપી નગરપાલિકાએ શહેરીજનોને નિયમનું પાલન કરવા કરી અપીલ - vapi news today
કોરોના સામે લડવા માસ્ક ફરજિયાત કરવામા આવ્યા બાદ તેના દંડની રકમ પણ 1000 રૂપિયા કરી દેવામાં આવી છે. કોરોના સામે સાવચેતીના પગલા રૂપે આ કડક નિયમ અમલમાં આવ્યો છે. જેને વાપી નગરપાલિકાએ પણ અનુસર્યો છે અને લોકોને-દુકાનદારોને માસ્ક પહેરવા અપીલ કરી છે.
ગુજરાત રાજ્યમાં માસ્ક ન પહેરનારાઓને દંડની રકમ વધારી 1000 સુધી કરવામાં આવી છે. તે ધ્યાને રાખી પ્રમુખે જણાવ્યું હતું કે, વાપી નગરપાલિકા વિસ્તારમાં લોકોને આ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. દુકાનદારો-ગ્રાહકો, રાહદારીઓ માસ્ક પહેરે તે માટે કડક નિયમ અમલમાં છે. તેમ છતાં જે લોકો માસ્ક વગર ફરી રહ્યા છે તે લોકોને દંડવામાં આવી રહ્યા છે. આ માટે લોકોને અપીલ છે કે, તેઓ કોરોના સંક્રમણથી બચવા માસ્કનો ઉપયોગ કરે જેથી દંડથી પણ બચી શકશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના કેસની કુલ સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે માસ્ક ન પહેરવાને લઈને અનલોક-1 દરમિયાન રાજ્ય સરકારે 200 રૂપિયા દંડ જાહેર કર્યો હતો, ત્યાર બાદ 200 રૂપિયા દંડથી વધારીને 500 રૂપિયા દંડ કર્યો હતો, પરંતુ હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે માસ્ક વગર ફરનારા લોકો પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલ કરવાનો નિર્ણય કર્યો છે.