વાપી: વાપી નગરપાલિકા દ્વારા દર વર્ષે મિલકતવેરા વસુલી માટે 95 ટકા જેટલી કામગીરી કરવામાં આવે છે. ત્યારે આ કામગીરી આ વર્ષના નાણાકીય વર્ષમાં પણ સારી રહે તે માટે કર્મચારીઓને સજ્જ કરવામાં આવ્યા છે. આ અંગે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે, વાપી નગરપાલિકામાં કુલ 72,000 મિલકત ધારકો છે. જેમાંથી વર્ષના અંતે 12 હજાર મિલકત ધારકો પાસેથી મિલકતવેરો વસુલવાનો બાકી છે.
નાણાકીય વર્ષના 11 મહિનામાં પાલિકાએ 13.14 કરોડની રકમ વસુલી લીધી છે અને બાકી 2.50 કરોડ રૂપિયાના વેરાની વસુલાત બાકી છે. જે માટે મિલકત ધારકોને મેસેજથી, ફોનથી જાણ કરવામાં આવી રહી છે. આ માટે જરૂર પડ્યે 2જી માર્ચથી દરેક વોર્ડમાં બાકીદારોની મિલકતો સીલ કરી વેરો વસુલવામાં આવશે. જેની શરૂઆત ચલા વોર્ડ નંબર 1 અને 2થી કરવામાં આવી છે. વાપી નગરપાલિકા આગામી 31મી માર્ચ 2020 સુધીમાં 100 ટકાની આસપાસ વેરો વસુલવા માટે આશાવાદ છે. જે માટે ચલા ઝોન, ડુંગરા ઝોન અને મુખ્ય કચેરી ખાતે સુવિધાઓ ઉભી કરી છે અને ઓછા સ્ટાફને કારણે હંગામી કર્મચારીઓની પણ નિમણૂક કરવામાં કરવામાં આવી છે.