- વાપી નગરપાલિકાનું વર્ષ 2021-22નું બજેટ જાહેર
- 160 કરોડના બજેટને બહાલી અપાઈ
- ભૂગર્ભ યોજના હેઠળ લેવામાં આવનાર ટેક્ષની રકમને લઈને વિરોધ
વાપી: વાપી નગરપાલિકા સભાગૃહમાં ગુરુવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2020/21 નું સુધારેલ બજેટ અને વર્ષ 2021/22 નું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2021/22 માટેનું અંદાજિત 1,60,03,67,040 રૂપિયાનું બજેટ કારોબારી ચેરમેન દિલીપ દેસાઈએ રજૂ કર્યું હતું. જેને સર્વાનુમતે બહાલી અપાઈ હતી.
141 કરોડનાં ખર્ચવાળું અંદાજીત બજેટ રજૂ કરાયું
બજેટ અંગે પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે, 18.50 કરોડ રૂપિયાની પુરાંત વાળા આ બજેટમાં 1,41.53 કરોડ રૂપિયાનાં ખર્ચનું આયોજન છે. સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે આવનારા દિવસોમાં રીંગ રોડનું કામ પૂર્ણ થવાના આરે હોઈ ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. 16 કરોડનાં ઓડિટોરીયમની જમીન અંગે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે. વાપીનાં ઇસ્ટ અને વેસ્ટમાં રેલવે લાઈનમાં અંડરગ્રાઉન્ડ પેડેસ્ટ્રીયલ પાર્કના પ્રોજેક્ટને આખરી રૂપ અપાયું હોવાનું, સોલિડ વેસ્ટના નિરાકરણ માટે પ્રોજેક્ટની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા સહિતની વિગતો આપી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી શહેરી સીટી બસ યોજના અંતર્ગત પૂર્વ વિસ્તારમાં 4 અને પશ્ચિમ વિસ્તારમાં 2 બસ સેવાનો પ્રારંભ કરવાનું જણાવ્યું હતું. જેમાં 50 ટકા રકમ નોટિફાઇડ દ્વારા ફાળવવામાં આવશે.
શાસક સભ્યોએ વિરોધપક્ષની ભૂમિકા ભજવી
પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ અને ચીફ ઓફિસર દર્પણ ઓઝા સમક્ષ સામાન્ય સભામાં શાસક પક્ષનાં સભ્યો, વિપક્ષી નેતા ખંડુ પટેલ, પીરું મકરાણીએ શહેરમાં પોતાના વોર્ડમાં સફાઈ, સ્ટ્રીટ લાઈટ, પાણી, ડ્રેનેજ લાઇન અને રસ્તાનાં કામો ટલ્લે ચડ્યા હોવા અંગેનાં પ્રશ્નો ઉઠાવતા પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે શહેરના દરેક વોર્ડમાં આ સમસ્યા ઉદભવી છે. જેનો આગામી દિવસમાં નિકાલ કરવામાં આવશે.
વાપી નગરપાલિકાએ 18 કરોડની પુરાંત અને 141 કરોડના ખર્ચવાળું 160 કરોડનું બજેટ રજૂ કર્યું ભૂગર્ભ ગટર યોજના હેઠળ કનેક્શન ચાર્જમાં તોતિંગ વધારોજ્યારે સામાન્ય સભામાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ મિલકત ધારકો પાસેથી કનેક્શન ચાર્જ માં કોમર્શિયલ મિલકતનાં 5000 યુનિટ દીઠ અને ફ્લેટનાં 2000 અને ચાલી માલિકો પાસેથી પણ 2000 રૂપિયા વસુલવાનું નક્કી કરતા સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. જેથી પ્રમુખે અને ચીફ ઓફિસરે આ અંગે આગામી દિવસોમાં યોગ્ય નિરાકરણ લાવી હાલનાં દરોમાં ઘટાડો કરવાનું જણાવ્યું હતું.
પાછલા વર્ષોના બજેટની વિગતો
પાલિકાના પાછલા વર્ષોના બજેટની વાત કરીએ તો, વર્ષ 2018/19નાં અંદાજપત્રની અંદાજિત આવક 63.05 કરોડ રૂપિયા મળીને કુલ 122.95 કરોડ રૂપિયા રહી હતી. જેમાંથી 56.34 કરોડ રૂપિયાનો અંદાજીત ખર્ચ થયા બાદ 2018/19નાં અંદાજપત્ર મુજબ 66.60 કરોડ રુપિયા બંધ સિલક રહી હતી. વર્ષ 2019/20નાં અંદાજપત્રની ઉઘડતી સિલક 81.08 કરોડ રૂપિયા સાથે અંદાજીત આવક 75.23 કરોડ રૂપિયા મળીને કુલ 156.32 કરોડ રૂપિયા રહી હતી. વર્ષ 2019/20ના અંદાજપત્રનો ખર્ચ 71.94 કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે બંધ સિલક 84.38 કરોડ રૂપિયા રહી હતી. વર્ષ 2020/21નાં બજેટની અંદાજીત આવક 56.88 કરોડ રૂપિયા મળીને અંદાજપત્રની કુલ 101.04 કરોડ ઉઘડતી સિલક, જેમાં 82.08 કરોડ રૂપિયાનાં ખર્ચ સાથે 75.85 કરોડ બંધ સિલક રહી હતી.
ચાલુ વર્ષની અંદાજીત બજેટની વિગતો
વર્ષ 2021/22નાં અંદાજીત બજેટમાં અંદાજીત આવક 84.18 કરોડ રૂપિયા મળીને કુલ 160.03 કરોડ રૂપિયાનું અંદાજીત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે, પાલિકાનો અંદાજીત ખર્ચ 141.53 કરોડ રૂપિયા રહેવાનો હોઈ 18.50 કરોડ રૂપિયાની પુરાંત ખાધ વાળું સુધારેલું અંદાજીત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
35 મિનિટમાં સામાન્ય સભા પૂર્ણ થઈ હતી
સામાન્ય સભામાં સૌપ્રથમ વાપીનાં જાણીતા સમાજ સેવક અને ઉદ્યોગપતિ રજ્જુ શ્રોફને ભારત સરકાર તરફથી પદ્મ વિભૂષણ એવોર્ડ મળ્યો હોઈ તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વાપી નગરપાલિકામાં સામાન્ય સભામાં 44 સભ્યો પૈકી 8 સભ્યો રજા પર અને 3 ગેરહાજર રહ્યા હોઈ હાજર પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વોર્ડ સભ્યોની ઉપસ્થિતીમાં વિકાસનાં કામોની બહાલી સાથે 35 મિનિટમાં સભા પૂર્ણ કરવામાં આવી હતી.