વાપી : વાપીમાં VIA હોલ ખાતે 12મી માર્ચે સાંજે 5 વાગ્યે મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના હરક્યુલસ જિમના ઑનર અને માસ્ટર્સ મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ મેળવનાર અસફાક રાણાએ આ આયોજન કર્યું હતું. આ ચેમ્પિયનશિપમાં મિસ્ટર વર્લ્ડ મુરલી કુમાર સેલિબ્રિટી ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 50 એથ્લેટીક્સ વચ્ચે આયોજિત આ ચેમ્પિયનશીપનું રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ ઉદ્ઘાટન કર્યું હતું.
અક્ષય પટેલની 15 વર્ષની મહેનત ફળી :સ્પોર્ટ્સ ફેડરેશન વાપી વલસાડ અને હરક્યુલસ જિમ દ્વારા પ્રથમ વખત મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપનું આયોજન કર્યું હતું. જેમાં વલસાડ જિલ્લા ઉપરાંત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણના વિવિધ જીમમાં પોતાનું શરીર-સૌષ્ઠવ બનાવનાર 50 જેટલા એથ્લેટીક્સે ભાગ લીધો હતો. આ તમામ બોડી બિલ્ડર વચ્ચે કેટેગરી મુજબની સ્પર્ધા યોજાઈ હતી. જેમાંથી 5 શ્રેષ્ઠ બોડી બિલ્ડરની પસંદગી કર્યા બાદ ફાઇનલ રાઉન્ડમાં સેલવાસના અક્ષય પટેલને મિસ્ટર વલસાડની ટ્રોફી એનાયત કરી હતી. મિસ્ટર વલસાડ બનેલા અક્ષય પટેલે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ જીત તેમના ઘણા વર્ષોની મહેનતનું ફળ છે.
વ્યસન મુક્તિના સંદેશ સાથે આયોજન :સ્પોર્ટ્સ ફેડરેશન વાપી વલસાડમાં જનરલ સેક્રેટરી અને હરક્યુલ્સ જિમ ચલાવી વ્યસનમુક્તિનો સંદેશ આપતા અસફાક રાણાએ આ સ્પર્ધાના ઉદેશ્ય અંગે જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2007થી વ્યસનમુક્તિ અભિયાન સાથે બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપનું આયોજન કરે છે. મિસ્ટર સાઉથ ગુજરાત, મિસ્ટર ગુજરાતની સ્પર્ધાઓનું આયોજન બાદ આ વખતે મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપનું આયોજન કર્યું હતું. સ્પર્ધામાં અલગ અલગ ગ્રુપમાંથી પ્રથમ 5 વિનર્સ સિલેક્ટ કર્યા હતાં. જે બાદ જજની પેનલ દ્વારા મિસ્ટર વલસાડ માટે અક્ષય પટેલની પસંદગી કરવામાં આવી છે. આ સ્પર્ધામાં વિજયી બન્યા બાદ તે હવે સ્ટેટ લેવલની અને નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં ભાગ લઈ વાપી, વલસાડ, સેલવાસનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.