આસો સુદ અષ્ટમીનું નવરાત્રી પર્વ દરમ્યાન ખૂબ જ મહત્વ છે. આ દિવસે કચ્છમાં બિરાજમાન આશાપુરા માતાના મઢ ખાતે ખાસ પત્રી વિધિ કરવામાં આવે છે અને મહાપુજા સાથે અશ્વિની નવરાત્રિનું શ્રદ્ધામય વાતાવરણમાં સમાપન કરવામાં આવે છે. એ જ રીતે અશ્વિની નવરાત્રીના પર્વ દરમિયાન ગુજરાતના ખૂણે-ખૂણે આવેલા માં અંબાના મંદિરમાં અને નવરાત્રી મંડળોમાં અષ્ટમીના દિવસે વિશેષ નવચંડી યજ્ઞ કરી શ્રીફળની આહૂતિ આપવામાં આવે છે.
આદ્યશક્તિ આરાધનાના પર્વ નિમિત્તે વાપીમાં આઠમના હવનમાં અપાઇ શ્રીફળની આહુતી આદ્યશક્તિ આરાધનાના પર્વ નિમિત્તે વાપીમાં આઠમના હવનમાં અપાઇ શ્રીફળની આહુતી વાપીમાં પણ છેલ્લા 35 વર્ષથી અંબા માતા મંદિરમાં અશ્વિની નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન અંબામાતા મંદિરે ગરબા સહિતના વિવિધ આયોજનો કરવામાં આવે છે. મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં માઇ ભકતો શીશ ઝુકાવી માતાજી પાસે પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે. ત્યારે, રવિવારે અશ્વિની નવરાત્રીનું અષ્ટમી પર્વ હોય અંબા માતા મંદિર પ્રાંગણમાં અષ્ટમીનો નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો. મંદિરના ટ્રસ્ટીઓ, વાપીના હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં નવચંડી યજ્ઞમાં શ્રીફળની આહુતી અપાઈ હતી. તે સાથે નવરાત્રિ પર્વનું સમાપન કરાયું હતું.આ અંગે અંબા માતા મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ કરતા આચાર્ય જગદીશ શુક્લએ જણાવ્યું હતું કે નવરાત્રી એટલે શક્તિની આરાધનાનું પર્વ, આ પર્વમાં પૂજા અર્ચના કરી શક્તિની ઉપાસના કરવામાં આવે છે. જેનાથી શરીરમાં શારીરિક શક્તિ પ્રદાન થાય છે. અષ્ટમીના દિવસે નવચંડી યજ્ઞ યોજાય છે. જેમાં શ્રીફળની આહુતિ આપવામાં આવે છે. માતાજીની શક્તિ કૃપા હંમેશા મળતી રહે અને જે રીતે માતાજીએ અસુરોનો સંહાર કર્યો હતો. એવી જ રીતે મનુષ્ય આત્મામાં રહેલા દુર્ગુણોનો નાશ કરે તે જ આ પર્વનું મહત્વ છે. પર્વ નિમિત્તે શ્રીફળની આહુતી અપાય છે કેમ કે શ્રી એટલે લક્ષ્મી અને ફળ એટલે ફળ જે શરીરના પ્રતીકરૂપે અર્પણ કરી તેમની કૃપાદ્રષ્ટિ મેળવવામાં આવે છે.નવરાત્રી પર્વ નિમિત્તે વલસાડ જિલ્લામાં રવિવારે અનેક માતાજીના મંદિરમાં અષ્ટમીના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. એ જ રીતે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ માતાજીના મંદિરોમાં, નવરાત્રી મંડળમાં અષ્ટમી નું હોમ હવન કરી પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે તે માટે પવિત્ર અગ્નિમાં શ્રીફળની આહુતિ આપી માતાજી સમક્ષ હજારો માઇભક્તોએ પોતાના શીશ નમાવ્યા હતાં.