વાપી: વાપી તાલુકાની ઘણી પંચાયતોમાં કોને સરપંચ બનાવવો એ જાણે હિન્દીભાષી લોકોના મત પર નિર્ભર બની ગયું છે. કારણ કે અહીં પંચાયતની ચૂંટણી (Vapi Gram Panchayat Election 2021) માટે ઉમેદવારો ગુજરાતીમાં નહિ, પરંતુ ભોજપુરી ભાષામાં રિક્ષા-ટેમ્પો દ્વારા ચૂંટણી પ્રચાર (election campaign with Bhojpuri songs) કરી રહ્યા છે. છીરી, છરવાડા, ચણોદ, કરવડ, બલીઠા અને કરવડ જેવી પંચાયતોમાં યુપી, બિહાર, મહારાષ્ટ્ર સહિત અન્ય પ્રાંતોના લોકોની વસ્તી સ્થાનિક લોકો કરતાં વધુ છે. એટલે ગુજરાતના આ ગામોમાં સરપંચ ઉમેદવારો મતદારોને રીઝવવા ગુજરાતી સિવાય હિન્દી, ભોજપુરી ભાષાનો પણ સહારો લઈ રહ્યા છે.
ગુજરાતના આ ગામમાં ભોજપુરી ભાષામાં ચૂંટણી પ્રચાર
વાપી તાલુકાના છીરી, છરવાડા, ચણોદ જેવા ગામોમાં હિન્દીભાષી મતદારોનો પ્રભાવ સૌથી વધુ છે. છીરીમાં બે હિન્દી ભાષી મહિલાઓ સરપંચ પદ માટે ચૂંટણી લડી રહી છે. એ જ રીતે, અન્ય પંચાયતોમાં પંચાયત સભ્યો માટે ઉમેદવારી નોંધાવનારાઓમાં યુપી અને બિહાર (UP-Bihar voters in vapi)ના લોકો પણ વધુ છે. છીરીમાં અંદાજે આઠ હજાર અને છરવાડામાં છ હજારથી વધુ મતદારો છે.
દેશના અલગ અલગ પ્રાંતમાંથી લોકો કામધંધા માટે સ્થાયી થયા છે..
જો કે, વસ્તી આના કરતા અનેક ગણી વધારે છે. આ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા મોટાભાગના લોકો કંપનીઓમાં નોકરી કરે છે. આ મતદારોને રીઝવવા માટે ભોજપુરી ગીતો પર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ગીતના બોલને ઉમેદવાર સાથે જોડીને પ્રખ્યાત ભોજપુરી ગીતોની તર્જ પર ગીતો પણ બનાવવામાં આવ્યા છે. યુપી, બિહારના લોકો વાળા વિસ્તારોમાં રિક્ષાઓ ફેરવીને આ ગીતો દ્વારા ઉમેદવારો મત આપવાની અપીલ કરી રહ્યા છે. છીરીમાં પોતાની પુત્રવધુને સરપંચ માટે અને પોતે સભ્ય માટે ચૂંટણી લડતાં હિન્દીભાષી ઉમેદવારે તો, ખાસ યુપીના એક ભોજપુરી કલાકારને પણ બોલાવ્યો છે. જેઓ તેમના ટોળા સાથે ભોજપુરી ગીતો દ્વારા મતદારોમાં ઉમેદવાર માટે મત માંગવા વિવિધ સ્થળોએ પહોંચી રહ્યા છે.