વાપી :રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોને પાકમાં થયેલી નુકસાન અંગે સરકારે સર્વે હાથ ધર્યો છે. આગામી દિવસોમાં સરકાર પોઝિટિવ નિર્ણય લઈ સહાય કરશે તેવી વિગતો રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ વાપીમાં ઘાંચીયા તળાવના વિકાસના ખાતમુહૂર્ત પ્રસંગે આપી હતી. જ્યાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં જેમ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી છે. તેવી ઝુંબેશ વાપી પાલિકા વિસ્તારમાં હાથ ધરવા તાકીદ કરી હતી.
અનધિકૃત દબાણો દૂર કરવામાં આવશે :આ પ્રસંગે નાણાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, હાલ ગુજરાતના દ્વારકા સહિતના જિલ્લાઓમાં સરકારે અનધિકૃત દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. આવા અનધિકૃત દબાણ હટાવવામાં સરકારની નીતિ સ્પષ્ટ છે. જે રીતે દબાણ હટાવવાનું કામ ચાલુ કર્યું છે એ પ્રશંસનીય છે અને એ માટે સમગ્ર અધિકારીઓ, ચૂંટાયેલા સભ્યોને બધાને અભિનંદન આપ્યા હતાં. નાણાપ્રધાને વાપી નગરપાલિકાના સત્તાધીશોને ટકોર કરી વાપીમાં પણ આ જ રીતે જે વિસ્તારમાં અનધિકૃત દબાણ છે. તેને દૂર કરવાની કામગીરી થશે એવી ખાતરી આપી હતી.
ડેમ બનાવી પાણીનો પ્રશ્ન હલ :તો, એક સમયે ગત બજેટમાં રિવરલીન્ક પ્રોજેકટ હેઠળ દમણગંગા, પાર, તાપી, નર્મદા નદીઓનું જોડાણ કરી ચોમાસા દરમિયાન વહી જતું પાણી એકત્ર કરી ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પહોંચાડવાની યોજનાની જાહેરાત બાદ સ્થાનિક સ્તરે વધેલા વિવાદમાં આ પ્રોજેકટ પડતો મુક્યો છે. હવે પાણીના તર ઊંચા લાવવા રિવરલીન્ક પ્રોજેકટનો પ્રશ્ન કોઈ સ્થળે ચાલતો નથી. તેવું જણાવી નાણાપ્રધાને જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લો પાણીથી સમૃદ્ધ જિલ્લો છે. વલસાડને ગુજરાતનું ચેરાપુંજી કહી શકાય એટલો વરસાદ પડે છે. ત્યારે આ વિસ્તારમાં નાના નાના ડેમો બનાવીને આઠ દસ ગામોને પાણી મળે એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. એમાં ઘણી બધી સફળતા મળી રહી છે.
માવઠા અંગે સરકારે સર્વે હાથ ધર્યો :નાણાપ્રધાને હાલમાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદ બાદ દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતો સહિત સૌરાષ્ટ્ર કચ્છના ખેડતોને પાકમાં જે નુકસાન ગયું છે. તે અંગે સરકાર સહાય આપશે તેવું જણાવી તે અંગે સર્વે હાથ ધર્યો હોવાનું જણાવ્યું હતું. માવઠાના નુકસાન અંગેનો સર્વે એકાદ અઠવાડિયામાં પૂર્ણ થાય તે બાદ સહાયની રકમ અંગે પોઝિટિવ નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી પર નાણાપ્રધાને આપી હતી.