- 2020માં વાપી પોલીસની બુટલેગરો પર તવાઈ
- 20 કરોડના વાહનો-દારૂ સાથે 1607 સામે કાર્યવાહી
- વલસાડ જિલ્લામાં સૌથી વધુ દારૂના કેસ નોંધાય છે
વાપી: વલસાડ જિલ્લો એક તરફ સંઘપ્રદેશ દમણ, બીજી તરફ દાદરા નગર હવેલી અને ત્રીજી તરફ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ સાથે જોડાયેલો જિલ્લો છે. વલસાડ જિલ્લામાં મોટાપાયે સંઘપ્રદેશો અને મહારાષ્ટ્રમાંથી દારૂ ની હેરાફેરી થાય છે. આ જિલ્લામાં ગુજરાતનાં અન્ય જિલ્લાઓ કરતા સૌથી વધુ દારૂનાં કેસો નોંધાય છે. વર્ષ 2020માં પણ વલસાડ જિલ્લામાં પોલીસે પ્રોહીબિશન હેઠળ બુટલેગરો પર તવાઈ બોલાવી કરોડોનો દારૂ-વાહનો જપ્ત કર્યા હતાં.
વાપી ડિવિઝનનાં 8 પોલીસ મથકો દારૂનાં કેસો પકડવામાં સમગ્ર ગુજરાતમાં અવ્વલ
ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ તેની પડોસના સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને મહારાષ્ટ્ર રાજ્યમાં દારૂબંધી નથી. એટલે આ વિસ્તારમાંથી મોટાપાયે દારૂનો જથ્થો ગુજરાતમાં ઠલવાય છે. દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રને અડીને વલસાડ જિલ્લો આવેલો છે. જેના વાપી ડિવિઝનનાં 8 પોલીસ મથકો દારૂનાં કેસો પકડવામાં સમગ્ર ગુજરાતમાં અવ્વલ નંબરે રહ્યા છે. આ અંગે વાપી ડિવિઝનના DYSP વિ. એમ. જાડેજાએ વિગતો આપી હતી કે, ગત વર્ષ 2020માં વાપી ડિવિઝને 2.47 કરોડ રૂપિયાની કિંમતનો દારૂ, 17.45 કરોડ રૂપિયાનાં 738 વાહનો સાથે 1607 આરોપીઓને પકડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.