વલસાડ જિલ્લાના કપરાડા, વાપી તાલુકામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં છેલ્લા ત્રણ દિવસમાં વરસેલા ભારે વરસાદને પગલે ઉપરવાસમાં મધુબન ડેમમાં 3 મીટર સુધીના નવા નીર આવ્યા છે. જ્યારે વાપી નજીકની દમણગંગા નદી પણ ઓવરફલો થઈ છે. દમણગંગા નદી ઓવર ફ્લો થતાં મોટી સંખ્યામાં વાપી વાસીઓ દમણગંગા નદીના કાંઠે ધસમસતા પાણીના પ્રવાહને જોવા ઉમટ્યા હતા.
દમણગંગા નદીમાં ભરપૂર પાણીની આવકથી ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. પાણીના ધસમસતા પ્રવાહના ડરામણા અવાજ વચ્ચે કેટલાક લોકો તંત્રની સૂચનાને અવગણી માછલી પકડવા તેમજ સેલ્ફી ખેંચવા નદીના પ્રવાહ નજીક જવાનું જોખમ ખેડતા પણ કેમેરામાં કેદ થયા હતા. વાપી અને કપરાડા પંથકમાં છેલ્લા ચાર દિવસમાં પડેલા 20 ઇંચ જેટલા વરસાદે આસપાસના નદીનાળા છલકાવ્યા હતાં. જેનું તમામ પાણી દમણગંગા નદીમાં આવતા દમણગંગા નદીની હાલની સપાટી 14.80 મીટર પર પહોંચી ઓવરફ્લો થઈ છે. 4 દિવસ પહેલા દમણગંગા નદીની સપાટી 13.40 મીટરે હતી. છેલ્લા 4 દિવસમાં પડેલા વરસાદે દમણગંગા નદીની સપાટીમાં 1 મીટર કરતા પણ વધુનો વધારો કરી છલકાવી દીધી છે.