વલસાડ : ધરમપુર તાલુકાના બોર્ડરના ગામોમાં આજે પણ અનેક ફળીયા એવા છે જેમાં 108 લઈ જવા માટે રોડ નથી. જેના લીધે કોઈ નાદુરસ્ત બને તો આવા સમયે સ્થાનિકોએ કાવડ કરી ઝોળી બનાવી ઊંચકીને મુખ્ય માર્ગ સુધી લઈ જવાની ફરજ પડે છે. ત્યારે ઢાકવડ મૂળ ગામ ફળિયા રહેતી રહેતી ગર્ભવતી મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા સ્થાનિકોએ જોડી ત્રણ કિલોમીટર સુધી ચાલીનેે 108 સુધી લઈ જવાઈ હતી.
108 ઢાકવડ મૂલગામ ફળિયા સુધી :ઢાકવડ ગામે અનેક ફળિયા આવેલા છે. જેમાં ઢાકવડ મૂલગામ ફળિયા સુધી મુખ્ય માર્ગ આવેલો છે, એટલે કે મોટાભાગના વાહનો અહીં સુધી આવે છે. જે બાદ આસપાસના વિસ્તારના ફળિયાના લોકોએ ચાલીને પોતાના ફળિયામાં જવાની ફરજ પડે છે. અગાઉ પણ અનેક સમયે લોકોએ રોડ બનાવવા માટે રજૂઆત કરી હતી. ત્યારે ઢાકવાડ ગામે કોઈલી પાડા ફળિયામાં રહેતી ગર્ભવતી મહિલા કરીનાબેન દિલીપભાઈને મોડી રાત્રે પ્રસુતિની પીડા ઉપડતા સ્થાનિક ફળિયાના લોકો એકત્ર થયા હતા.
ત્રણ કિલોમીટર સુધી ચાલ્યા : મહિલાને સારવાર લઈને ખસેડવા માટે કોઈ ઉપાય ન બનતા આખરે લોકોએ એક લાકડા ઉપર સાડી બાંધી ઝોળી બનાવી બેટરીના પ્રકાશમાં જાડી જંગલ અને પગદંડીથી અંદાજે ત્રણ કિલોમીટર સુધી ચાલીનેે આ મહિલાને ઊંચકીને મુખ્ય માર્ગ સુધી લઈ આવ્યા હતા. મૂળ ગામ ફળિયા સુધી રાત્રી દરમિયાન ઝાળી બનાવીને ઊંચકીને લઈ આવેલા મહિલાને અગાઉથી જ આવી પહોંચેલી 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જોકે હાલ તેની હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
મૌખિક રજૂઆત છતાં રોડ નથી બન્યો :ધરમપુરના બોર્ડર વિલેજ ગણવામાં આવતા ઢાકવડમાં કેટલાક ફળ્યા એવા છે, જ્યાં આઝાદીના 75 વર્ષ પછી પણ ફળિયામાં મોટા વાહનો જઈ શકે એવા રોડ બની શક્યા નથી. લોકોને પગદંડી કે ચાલીને જવાની ફરજ પડે છે. આ અંગે સ્થાનિક લોકોએ મૌખિક અને લેખિત રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી તેમની આ રજૂઆતોનો કોઈ નિરાકરણ આવ્યું નથી.