- વલસાડનો રેલવે ઓવરબ્રિજ 20 દિવસ માટે બંધ હતા એસ.ટી. વિભાગને ફટકો
- ડાયવર્ઝન રૂટ ઉપર 12થી 14 કિલોમીટરનો વધારાનું અંતર કાપવુ પડશે
- વલસાડ છીપવાડ ગરનાળાથી ગુંદલાવ થઈને ધરમપુર ચોકડી સુધી બસ દોડાવાશે
વલસાડ: બુલેટ ટ્રેનના કોરિડોરની કામગીરી ચાલતી હોવાથી 2થી 21 જૂન સુધી વલસાડનો રેલવે ઓવરબ્રિજ 20 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. જોકે વલસાડમાં આવવા જવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડી ડાયવર્ઝન આપી વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા ઊભી કરાઇ છે પરંતુ આ વૈકલ્પિક માર્ગ એસ.ટી. વિભાગ માટે ખર્ચાળ સાબિત થઈ શકે તેમ છે. કારણ કે ડાયવર્ઝન રૂટ ઉપરથી રોજિંદા 50થી વધુ ટ્રીપો દોડાવવામાં આવતા બસોના 1400 થી 1500 કિલોમીટરનું અંતર વધી જશે.
દમણ, ધરમપુર અને વાપી માટે રોજિંદા 50 જેટલી ટ્રીપો દોડાવાય છે
રોજિંદા આવતા જતા પ્રવાસીઓ માટે વલસાડ એસ.ટી. ડેપો વિભાગ દ્વારા દમણ, ધરમપુર અને વાપી માટે 50 જેટલી બસો દોડાવવામાં આવે છે. જોકે, સામાન્ય દિવસોમાં આ બસ રેલવે ઓવરબ્રિજ થઇને જતી હતી પરંતુ તે 20 દિવસ માટે બંધ કરવામાં આવતા ડાયવર્ઝન માર્ગ ઉપરથી એટલે કે છીપવાડ ગરનાળા થઈને ગુંદલાવ ચોકડી અને તે બાદ ધરમપુર ચોકડી થઈને હાઇવે ઉપર આ બસ દોડી રહી છે. જેના કારણે એસ.ટી. વિભાગને દરેક ટ્રીપ દીઠ 14 કિલોમીટરનું વધારાનું અંતર કાપવુ પડી રહ્યું છે. જેના કારણે ડીઝલનો ખર્ચ પણ દરેક ટ્રીપ દીઠ વધી જશે.