31મુ આદિવાસી સાંસ્કૃતિક એક્તા મહાસંમેલન યોજાયું વલસાડઃ આદિવાસી એકતા પરિષદ દ્વારા ગુજરાતની બોર્ડર ઉપર આવેલ અથોલા ગામે 31મુ આદિવાસી સાંસ્કૃતિક એક્તા મહાસંમેલન યોજાયું. જેમાં આદિવાસી સંસ્કૃતિને રજૂ કરતી કલાકૃતિ અને નૃત્યો રજૂ કરવામાં આવી રહ્યા છે. વિવિધ સ્ટોલમાં આદિવાસીને લગતી ચીજ વસ્તુઓનું વેચાણ પણ થઈ રહ્યું છે. છત્તીસગઢમાં બેફામ કપાઈ રહેલા જંગલોનો વિરોધ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યો છે. આ ત્રી દિવસીય સંમેલનમાં 9 રાજ્યો તેમજ વિદેશથી પણ આદિવાસી સમાજના લોકો જોડાયા છે.
9 રાજ્યોના આદિવાસીઓ જોડાયા જળ, જંગલ, જમીન સાથે જોડાયેલા આદિવાસીઓઃ વર્ષોથી પ્રકૃતિની ગોદમાં મોટા થયેલા અને જળ, જંગલ અને જમીન સાથે આદિવાસી સમાજ જોડાયેલ છે. આજે પણ તેમની પરંપરા અને સંસ્કૃતિ જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલી છે. તેમની પરંપરાગત પૂજા વિધિઓ, રીત રિવાજો, વાનગી, પહેરવેશ, લોકબોલી, લોકગીતો, લોકનૃત્યો, આદિવાસી હેન્ડીક્રાફ્ટ અને ખેત ઓજારો સહિતની તમામ ઝાંખીઓની રજૂઆત આ મહાસંમેલનમાં થઈ રહી છે.
વિવિધ સ્ટોલ્સમાં જોવા મળી રહી છે આદિવાસી કૃતિઓ 9 રાજ્યોના આદિવાસીઓ જોડાયાઃ આદિવાસી એકતા પરિષદના 31 મા સંમેલનમાં સમગ્ર ભારતના 9 રાજ્યોના આદિવાસી સમાજના લોકો જોડાયા છે. તેઓ અહીં પોતાના પરંપરાગત નૃત્ય લઈને પહોંચ્યા છે. જેમાં આસામથી બીહુ નૃત્ય,ઉત્તરાખંડ, છત્તીસગઢના યુવાનોએ પોતાના પરંપરાગત નૃત્યની રજૂઆતો કરી છે. આ વિવિધ આદિવાસી સમાજના લોકોએ પોતાની નૃત્ય શૈલી રજૂ કરી લોકોના મન મોહી લીધા હતા.
રાષ્ટ્રપતિને સંદેશની પરંપરાઃ આદિવાસી મહાસંમલેન બાદ સ્થાનિક આગેવાનો તેમજ અન્ય રાજ્ય માંથી આવેલા અનેક આદિવાસી સમાજના લોકો એકત્ર થઈ ને કાર્યક્રમ ને અંતે એક બેઠક યોજી વિવિધ પ્રશ્ન અંગે ચર્ચા કરી એક વિશેષ મેસેજ રાષ્ટ્રપતિ ને પાઠવે છે. આ વખતે પર્યાવરણ બચાવવાનો સંદેશ સાથે જળ વાયુ પરિવર્તન ઉપર આદિવાસી સમાજ ના લોકોએ વધુ ભાર મૂકી જળ જંગલ જમીન બચાવવા માટે એક વિશેષ મેસેજ લોકો સમક્ષ મુક્યો છે. આ મેસેજમાં વિકાસના નામે જે જંગલો કપાઈ રહ્યા છે એને બચાવવા માટે પહેલ કરી છે. આ સંદેશો રાષ્ટ્રપતિને પહોંચાડાશે.
છત્તીસગઢમાં બેફામ કપાતા જંગલોનો વિરોધઃ આ સંમેલનમાં એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ પણ યોજાયો છે. જેમાં છત્તીસગઢમાં આવેલ હસદેવ આરણ્યમાં મોટા પાયે હાલ ઝાડ કાપવાની કામગીરી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે અહીં થી નીકળતો કોલસો રાજસ્થાનમાં વીજ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે. આ સંજોગોમાં જળ, જંગલ અને જમીન સાથે સંકળાયેલા આદિવાસી સમાજના લોકો જંગલ બચાવવા માટે આગળ આવ્યા છે. વૃક્ષો કાપવાનો વિરોધ કરી જંગલ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમગ્ર બાબતની વિરોધની ઝાંખી અને લોકોને સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. જો જંગલોનું નિકંદન બંધ નહિ થાય તો મનુષ્ય પેઢીનો નાશ નક્કી છે તેવો સૂર ઉઠ્યો હતો.
અમે આસામથી અમારા આદિવાસી નૃત્ય બીહુની પરંપરાગત રજૂઆત માટે આવ્યા છીએ. આદિવાસી સંસ્કૃતિની વિશેષ જાળવણી કરતા આવા સંમેલનો વધુ થવા જોઈએ જેથી ભાવિ પેઢી આદિવાસી રીત રિવાજ અને સંસ્કૃતિથી પરિચિત થાય...નિવરાન બોયા(મુલાકાતી, આસામ)
યુવાનોએ ખાસ આવા સંમેલન એટેન્ડ કરવા જોઈએ, જેથી આપણી સંસ્કૃતિ અને એક્તા જળવાઈ રહે. આ કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી પણ મુલાકાતીઓ આવ્યા છે...મિતાલી ગરાસિયા(મુલાકાતી, ધરમપુર)
અમે છત્તીસગઢથી આવ્યા છીએ. જેમાં અમે અમારુ પરંપરાગત નૃત્યુ ધૃવાની રજૂઆત કરીશું. અમે આ કાર્યક્રમમાં પ્રથમ વખત આવ્યા છીએ પણ આવા કાર્યક્રમ વારંવાર થવા જોઈએ જેથી આદિવાસી એક્તામાં વધારો થાય...નમ્રતા નાગ(મુલાકાતી, છત્તીસગઢ)
દર વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે 3 દિવસનો કાર્યક્રમ દેશના વિવિધ રાજ્યોમાં આયોજિત થાય છે. આ વર્ષે ગુજરાત અને દાદરા નગર હવેલીની બોર્ડરના ગામ અથોલા ખાતે આ સંમેલન યોજાયું છે. જેમાં 3 લાખ થી વધુ લોકો ઉમટ્યા છે. અહીં વિવિધ પ્રશ્નોની ચર્ચા બાદ એક પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિ પાસે સમય માંગી તેમને મળી વિશ્વના આદિવાસી સમાજના પ્રશ્નોની જાણ કરશે...કમલેશ પટેલ ( પ્રમુખ,આદિવાસી એકતા પરિષદ)
- Tribal Tradition : 70 વર્ષે આવ્યો "કાહટી" કાઢવાનો અવસર, આદિવાસી સમાજની અનોખી પરંપરા
- Tribal Tradition: આ ગામમાં ૧૦૦ વર્ષ બાદ આવ્યો રૂડો અવસર, જાણો ઉજવણીનું મહત્વ...