ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં સીઝનના કુલ વરસાદ સામે 30 ટકા, દમણમાં 25 ટકા, સેલવાસમાં 18 ટકા ઓછો વરસાદ - Rain in Valsad

વલસાડ જિલ્લામાં તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં વર્ષ 2021ના વરસાદે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ ઉપસ્થિત કર્યો છે. હવામાન વિભાગે પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરી છે. વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં 2 દિવસથી મેઘમહેર યથાવત રહ્યા બાદ પણ સીઝનના કુલ વરસાદ સામે આ વર્ષે 18 થી 30 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. બે દિવસથી ધીમીધારે વરસતા વરસાદને કારણે નદીનાળા છલકાયા છે. મધુબન ડેમમાંથી 2 દરવાજા 1 મીટર સુધી ખોલી 10,318 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સમગ્ર પંથકમાં છેલ્લા 6 કલાકમાં સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

Madhuban Dam
Madhuban Dam

By

Published : Aug 19, 2021, 5:29 PM IST

  • વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં મેઘમહેર યથાવત
  • સમગ્ર પંથકમાં છેલ્લા 6 કલાકમાં સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો
  • 2 દિવસથી સતત ધીમીધારે વરસાદ
  • સીઝનના નોંધાતા કુલ વરસાદ સામે હજુ પણ 18 થી 30 ટકા ઓછો વરસાદ

વલસાડ: વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં વરુણદેવે કૃપાદ્રષ્ટિ વરસાવી છે. 2 દિવસથી સતત ધીમીધારે વરસાદ (Rain in Valsad) વરસી રહ્યો છે પરંતુ ડાંગરની મુખ્ય ખેતી માટે જાણીતા આ વિસ્તારમાં હજુ પણ જોઈએ તેટલો વરસાદ વરસ્યો નથી. મબલખ આકાશી પાણી માટે જાણીતા આ વિસ્તારમાં આ વર્ષે અત્યાર સુધીમાં સીઝનના નોંધાતા કુલ વરસાદ સામે હજુ પણ 18 થી 30 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો છે. નદીનાળા છલકાયા છે. મધુબન ડેમમાં જલસપાટીનું લેવલ વધતા 2 દરવાજા ખોલવામાં આવ્યાં છે.

વલસાડમાં સિઝનના કુલ વરસાદ કરતાં 30 ટકા ઓછો વરસાદ થયો છે

આ પણ વાંચો: નવસારીમાં વરસાદ ખેંચાતા વાંસદાના ખેડૂતો ચિંતામાં, તાલુકાના બે ડેમ પણ અધુરા

મધુબન ડેમમાં જલસપાટીનું લેવલ વધતા 2 દરવાજા ખોલવામાં આવ્યાં છે

વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વરસાદી પાણી મેળવતા ગુજરાતના મહત્વના પ્રદેશ છે. આ વિસ્તારમાં સિઝનનો સરેરાશ 100 ઇંચથી વધુ વરસાદ (Rain in Valsad) વરસે છે. આ વર્ષે મોડે મોડે પધારેલા મેઘરાજાએ ફરી 2 દિવસથી જિલ્લામાં અને સંઘપ્રદેશમાં સારું એવું હેત વરસાવ્યું છે. વલસાડ જિલ્લાના તાલુકા મુજબ સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો, ઉમરગામ તાલુકામાં 1131 mm, કપરાડા તાલુકામાં 1521 mm, ધરમપુર તાલુકામાં 1189 mm, પારડી તાલુકામાં 1049mm, વલસાડ તાલુકામાં 1019 mm, વાપી તાલુકામાં 1253 mm વરસાદ 19મી ઓગસ્ટના 12 વાગ્યા સુધીમાં વરસી ચુક્યો છે.

આ પણ વાંચો: રાજ્યમાં 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

કપરડામાં 1521 mm તો, ખાનવેલમાં નોંધાયો 1553 mm વરસાદ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 19મી ઓગસ્ટના સવારના 8 વાગ્યા સુધીમાં સુધીમાં સિઝનનો કુલ વરસાદ 1371 mm નોંધાયો છે. જેમાં ખાનવેલમાં 1553 mm, સેલવાસમાં 1189 mm વરસાદ નોંધાયો છે. દમણમાં સિઝનનો કુલ 1286 mm વરસાદ નોંધાયો છે. આટલો વરસાદ વરસ્યા બાદ પણ હવામાન વિભાગના આંકડા મુજબ દર વર્ષે નોંધાતા સરેરાશ વરસાદ સામે વલસાડ જિલ્લામાં હજુ પણ 30 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. દમણમાં 25 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. દાદરા નગર હવેલીમાં સરેરાશ સીઝનના વરસાદ સામે હજુ પણ 18 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

મધુબન ડેમમાં હાલ પાણીનું લેવલ 75.30 મીટર

બીજી તરફ જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમના ઉપરવાસમાં વરસતા વરસાદને કારણે પાણીની સપાટી વધી છે. મધુબન ડેમમાં હાલ પાણીનું લેવલ 75.30 મીટર પર છે. 6928 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 2 દરવાજા 1 મીટર સુધી ખોલી 10318 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં આઉટ ફ્લો તરીકે વહી રહ્યું છે. આ પાણીને કારણે દમણગંગા વિયર છલકાયો છે.

હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી સારા વરસાદની આગાહી કરી

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના 6 તાલુકાઓમાં ગુરુવારના સવારના 6 વાગ્યાથી બપોરના વાગ્યા સુધીના કન્ટ્રોલ રૂમે આપેલા આંકડા મુજબ ધરમપુર તાલુકામાં 59mm, કપરાડા તાલુકામાં 29 mm, પારડી તાલુકામાં 80mm, ઉમરગામ તાલુકામાં 49mm, વલસાડ તાલુકામાં 52mm અને વાપી તાલુકામાં 66mm વરસાદ નોંધાયો છે. હજુ પણ ઘનઘોર વાદળો ધીમીધારે વરસી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં આ વર્ષે સરેરાશ વરસાદ સામે હજુ સુધીમાં માંડ 50 ટકા વરસાદ નોંધાયો છે. હવે ચોમાસાની સિઝન આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી સારા વરસાદની આગાહી કરી છે. આશા રાખીએ કે આ 5 દિવસ સારો વરસાદ વરસે અને પાકને નવું જીવન આપે.

ABOUT THE AUTHOR

...view details