વલસાડ : ધરમપુર તાલુકાના મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા ગામ નડગધરી ખાતે આદિવાસી સમૂહ લગ્નનું આયોજન થયું હતું. જેમાં લગ્નગ્રંથિથી જોડાનાર યુગલોના સંતાનો પોતાના માતા પિતાના લગ્નના સાક્ષી બન્યા હતાં. લગ્નના માયરામાં સંતાનો સાથે યુગલો લગ્ન કરવા બેઠા હતાં. અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી સમાજ માટે સમૂહ લગ્ન એટલે ઓછા ખર્ચે લગ્ન કરવા માટેની એક ઉત્તમ તક માનવામાં આવે છે. કારણ કે લાખોનો ખર્ચ કરતા સમૂહ લગ્નમાં ઓછા ખર્ચે લગ્ન સંપન્ન થઈ જતા હોય છે જેને લઈ 97 જેટલા આદિવાસી યુગલો સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો.
આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે લિવ ઇનમાં રહે છે યુગલ આદિવાસી સમાજમાં આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે વર્તમાન સમયમાં પણ ચાંદલો વિધિ(એન્ગેજમેન્ટ) થયા બાદ બંને પરિવારની સંમતિ મળતા પતિપત્ની તરીકે જોડે રહે છે અને એમને સંતાનો પણ થઈ જાય છે. પરંતુ જ્યાં સુધી તેઓની આર્થિક સ્થિતિ પગભર ન થાય ત્યાં સુધી તેઓ પારંપરિકપણે લગ્નગ્રંથિથી જોડાતાં નથી.
એક યુગલ સામાન્ય લગ્ન કરે તો 3 લાખ રૂપિયા સુધીનો અંદાજિત ખર્ચજો આદિવાસી સમાજમાં એક યુગલ ઘર આંગણે લગ્ન કરે તો અંદાજિત રૂપિયા 3 લાખ કરતા પણ વધુ ખર્ચ થાય છે. સામાન્ય રીતે મજૂરી કે ખેતી કરનાર આદિવાસી યુગલ માટે 3 લાખ એકત્ર કરવા એટલે 20 વર્ષ પણ ઓછા પડે છે. ત્યારે સમૂહ લગ્નમાં નજીવી રકમ ભરીને તેઓ વૈદિક લગ્ન કરી લે છે. એટલું જ નહીં સરકારની કુંવરવાઈનું મામેરું જેવી યોજનાનો લાભ પણ આ યુગલોને સમૂહ લગ્નમાં મળવા પાત્ર થાય છે.
એક યુગલ પોતાના બે સંતાન સાથે પીઠી રસમમાં જોવા મળ્યું નડગધરી ગામે આયોજિત લગ્નમાં 40 ટકા એવા યુગલો હતા કે જેઓ પોતાના સંતાનોની સાક્ષીએ લગ્નના મંડપમાં જોવા મળ્યા હતા. જેમાં કિરણ મોતીરામ કાંતોળિયા અને મેરીબહેન લગ્નમાં પીઠી મુહરતમાં પોતાના બે સંતાનો સાથે અંકિત ઉ.વ 14 અને તેજલ ઉ.વ.16 સાથે જોવા મળ્યા હતા. બંને સંતાનો પણ પિતાના અને માતાને લગ્ન કરતા જોવા માટે ઉત્સાહિત હતાં.