વાપી : ઓગસ્ટ મહિનામાં હંગેરી ખાતે 26માં આંતરરાષ્ટ્રીય ફોક ડાન્સ ફેસ્ટિવલ અને ગ્રીસમાં લેફકાડા ઇન્ટરનેશનલ ફોક ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપીની નૃત્યાંગના મહેક ગજેરાના ગ્રુપે હંગેરી, ગ્રીસમાં ભારતના સાંસ્કૃતિક નૃત્યની પ્રસ્તુતિ કરી 12 જેટલા દેશોના કલાકારો વચ્ચે ભારતીય કલા વારસાને વિશ્વફલક પર રજૂ કર્યો હતો. આ બંન્ ફેસ્ટિવલ્સમાં એક માત્ર ગુજરાતના વાપીના મહેક ગજેરાના ગ્રુપની પસંદગી કરવામાં આવી હતી.
હંગેરીમાં યોજાયેલા ફેસ્ટિવલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું યાદગાર બની રહ્યું હતું. સમગ્ર ભારતમાંથી અમારા ગ્રૂપને પસંદ કરવામાં આવ્યું હતું. હંગરીમાં તેમના ગ્રૂપે ભારતના પરંપરાગત નૃત્ય એવા ટીપ્પની નૃત્ય, ડાંગી નૃત્ય, ડાકલા નૃત્ય, ગુજરાતના પ્રાચીન ગરબા નૃત્ય અને ભારતના પરંપરાગત જીવનને દર્શાવતું ગામડાનું દ્રશ્ય રજૂ કર્યું હતું. તેમજ ઐઇગીરી નંદિની સ્તોત્રમ પર શાસ્ત્રીય ભરતનાટ્યમ નૃત્ય રજૂ કરી હંગેરિયન લોકોના દિલ જીતી લીધા હતાં...મહેક શિવાંગ ગજેરા (નૃત્યાગના)
12 જેટલા દેશોના કલાકારો જોડાયાં : નૃત્ય પ્રદર્શન વિદેશની ધરતી પર ભારતના કલા વારસા ૉને પ્રસ્તુત કરી ભારતનું નામ રોશન કરનાર મહેકે વધુમાં જણાવ્યું હતું કે, તેમના ગ્રુપે ગ્રીસમાં લેફકાડા આઇલેન્ડ પર અન્ય 12 જેટલા દેશોના કલાકારો વચ્ચે ભારતીય પરંપરાગત નૃત્યોનું પ્રદર્શન કરી સૌ કોઈને આશ્ચર્યચકિત કર્યા હતાં. આ કલ્ચરલ ફેસ્ટિવલમાં મેક્સિકો, યુક્રેન, જાપાન, ઈન્ડોનેશિયા, જ્યોર્જિયા, કોલંબિયા, ચિલી વગેરે જેવા વિવિધ દેશોના કલાકરોએ ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલ ઇવેન્ટ તેમના સમગ્ર ગ્રુપ માટે યાદગાર રહી છે.
દેશના હેરિટેજ કલ્ચરને પ્રોત્સાહન પૂરું પાડવાનો ઉદ્દેશ્ય : આ કલ્ચરલ ઈવેન્ટ યુનેસ્કો દ્વારા અને ગ્રીસ, હંગેરી સરકાર દ્વારા યોજવામાં આવી હતી. જે દેશની સરકારે પણ ભારતીય કલાકારોને ખૂબ જ સહકાર આપ્યો હતો. ભારત ઉપરાંત અન્ય 12 જેટલા દેશના કલાકારોના ગ્રુપે પોતાના દેશની સાંસ્કૃતિક વિરાસત સમાન નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. ઇવેન્ટનો ઉદ્દેશ્ય જેમ યુનેસ્કો દ્વારા હેરિટેજ સાઇટને વિકસાવી પુરાતન શિલ્પ કલાને સાચવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે જે તે દેશના કલા વારસાને સાચવવા હેરિટેજ કલ્ચરને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે.
વિદેશી લોકોને ગરબાના વિવિધ સ્ટેપ શીખવ્યાં : વિદેશમાં ભારતના ગરબા પ્રત્યે ત્યાંના લોકોમાં ખૂબ જ ક્રેઝ છે. સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ આ વિદેશી લોકો ગરબાના વિવિધ સ્ટેપ શીખવા તેમની પાસે આવતા હતા. ભારતીય શૈલીના પ્રાચીન પોશાક, કલા નૃત્યથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ ગ્રુપના 18 દિવસના પ્રવાસ દરમિયાન ગ્રીસમાં તેમનો કાર્યક્રમ હતો. તે જ દિવસે ભારતના વડાપ્રધાન પણ ગ્રીસની મુલાકાતે હતાં. તેઓ આ કાર્યક્રમ નિહાળવા આવવાના હતાં પરંતુ અનિવાર્ય સંજોગોમાં તે શક્ય બન્યું નહોતું. જો કે ભારત પ્રત્યે વિદેશી લોકોમાં જે આદર-સત્કાર છે તે પ્રવાસના દિવસોનું યાદગાર સંભારણું છે.