વલસાડ જિલ્લા પોલીસે મહારાષ્ટ્રમાંથી વાહન ચોરી કરી, ગુજરાતના વાહન રજિસ્ટ્રેશન નંબરો, એન્જિન, ચેચિસ નંબરોવાળી RC બુક મુજબના નંબરો લગાવી કારનું વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચે આ ગુનામાં સંડોવાયેલ બે આરોપીની ધરપકડ કરી 9 મોંઘીદાટ કાર કબજે કરી છે. જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલ આરોપીઓની આ પહેલા પણ ગુજરાત-મહારાષ્ટ્રમાં 18 જેટલા ગુનામાં સંડોવણી હોવાની વિગતો વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીએ આપી હતી.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષીએ પત્રકાર પરિષદ બોલાવી જણાવ્યું હતું કે, 23મી નવેમ્બરે વાપી વિસ્તારમાં LCBની એક ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મૂળ જૂનાગઢના અને હાલ સુરતમાં રહેતા આરોપી ભાવેશ મૂળજીભાઈ શેલડીયાની કારને અટકાવી કારના કાગળો, RCબુકની માગ કરતા તેમની પાસે તે મળ્યા નહોતા. આ અંગે પકડાયેલ ઇસમની વધુ પૂછપરછ કરતાં તે તેમના ભાઈ સુરેશ શેલડીયા તથા તેમના ભાઈના સાળા ભાવિન ઉર્ફે ભીખુ સાવલિયાનું જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે ફોર વ્હીલર કારનું 'એન્ટિક ઓટો ગેરેજ' છે, જેમાં તેઓ રેગ્યુલર વાહનોની આડમાં નોન-યુઝ તથા અકસ્માતમાં ટોટલ લોસ થઈ ગયેલી ફોર વ્હીલર વાહનો વીમા કંપની, કાર એજન્સી કે કબાડી વાળા પાસેથી કારના અસલ કાગળો સાથે મેળવી તેવા જ દેખાવવાળી કાર મુંબઈના સાગરીત આરોપી તૌફિક હબીબઉલ્લાહ સાથે મહારાષ્ટ્ર રાજ્યના કોઇપણ વિસ્તારમાંથી ચોરી કરી 'એન્ટિક ઓટો ગેરેજ'માં લાવતા હતાં. જ્યાં ટોટલ લોસ ગયેલી કારના એન્જિન અને ચેચીસ નંબર ફિટ કરી, કારને ગુજરાત રાજ્યમાં કાર મેળા અથવા ગ્રાહકોને સસ્તા દામે વેચતા હતા.