2500થી વધુ પુસ્તકો છે આ લાયબ્રેરીમાં કપરાડાઃ આ વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓના હિતમાં શરૂ કરાઈ છે એક લાયબ્રેરી. રૂપિયા 1.34 લાખના ખર્ચે નિર્માણ થયેલી આ લાયબ્રેરી નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવી છે. આ લાયબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. અંતરિયાળ વિસ્તારના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે આ લાયબ્રેરી સોનેરી આશીર્વાદ સમાન બની રહી છે.
વાંચન સામગ્રી પણ ઉપલબ્ધઃઆર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે આ લાયબ્રેરી ખરેખર ખૂબ ઉપયોગી થઈ રહી છે.વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ખૂબ જ મોંઘા ઉપલબ્ધ બનતા હોય છે. તેથી આ વાંચન સામગ્રી ખરીદવામાં આસમર્થ વિદ્યાર્થીઓને પુસ્તકો ઉપલબ્ધ થતાં તેમને તૈયારી કરવી ઘણી સરળ રહે છે. સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી લાઇબ્રેરી ખુલ્લી રહે છે. લાયબ્રેરીને મળતા પ્રતિસાદને જોતા તંત્ર રાત્રિના 8 કલાક સુધી પણ કાર્યરત રાખવાનો નિર્ણય લઈ શકે છે. આદિવાસી વિસ્તારના અનેક વિદ્યાર્થીઓમાં વાંચનની ભૂખને સંતોષવા માટે આ લાયબ્રેરી ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ વાંચન માટે આવી પહોંચે છે.
દરેક ક્ષેત્રે આવતી સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ઉપલબ્ધ હોવાને લીધે આર્થિક રીતે ઘણી રાહત થાય છે...રોનક ધૂમ(વિદ્યાર્થી, કપરાડા)
વિદ્યાર્થીઓમાં પણ છે ઉત્સાહઃ અત્યાધુનિક સુવિધાથી સજ્જ લાઇબ્રેરીમાં સાનુકૂળ વાતાવરણમાં વાંચન પ્રક્રિયા કરતા વિદ્યાર્થીઓ બહુ ઉત્સાહી છે. આ લાયબ્રેરી વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અનુકૂળ બની છે કારણ કે ઘરના વાતાવરણમાં તેઓ ધ્યાનપૂર્વક વાંચન કરી શકતા નથી અને તેઓને ખલેલ પહોંચતી હોય છે.જેથી આસપાસના અનેક ગામોના વિદ્યાર્થીઓ વહેલી સવારથી લાઇબ્રેરીમાં વાંચન માટે આવી પહોંચે છે. સરળતાથી સ્પર્ધાત્મક પરીક્ષાની વાંચન સામગ્રી મળી જતા વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશખુશાલ રહે છે.
ઘરે વાંચવામાં ખલેલ બહુ પડે છે, જ્યારે લાયબ્રેરીમાં વાંચવામાં બહુ મજા આવે છે...સતિકુમારી દેસાઈ(વિદ્યાર્થીની, કપરાડા)
કુલ 2535 પુસ્તકોથી સજ્જઃ આ લાયબ્રેરીમાં રોજ 8 થી વધુ વર્તમાન પત્રો આવે છે. લાઇબ્રેનના ક્લાર્કના મતે હાલ આ લાયબ્રેરીમાં કુલ 2535 જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે. જેમાં 170 જેટલા હિન્દી પુસ્તકો 9૦ જેટલા અંગ્રેજી માધ્યમના પુસ્તકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના જરૂરી ગણાતા પુસ્તકોનો સમાવેશ થાય છે. આ પુસ્તકોને લીધે વિદ્યાર્થીઓને તેઓની જરૂરિયાત મુજબનું વાંચન સાહિત્ય લાયબ્રેરીમાં ઉપલબ્ધ બની રહે છે.
- AMC દ્વારા શાહપુર ખાતે અધ્યતન મેટરનીટી હોલ તેમજ બહેરામપુરામાં લાયબ્રેરી અને મલ્ટીપર્પજ હોલ તૈયાર કરવામાં આવશે
- રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, સ્માર્ટ શહેરોમાં બનશે સ્માર્ટ લાઈબ્રેરી