વલસાડ: વલસાડમાં રવિવારના રોજ માનવ કરફ્યૂને લઈને સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે. અનેક સ્થળે દુકાનો બજારો બંધ રહ્યા હતા. વાહન ચાલકો પણ માર્ગમાં જોવા નહોતા મળી રહ્યા. રેલવે તંત્ર દ્વારા પણ ટ્રેનો બંધ રાખવામાં આવી હતી. શનિવારના રોજ રાત્રે જે ટ્રેનો લાંબા અંતરની દોડી હતી તે જ ચાલુ રહી હતી અને એ પૈકીની એક ટ્રેન રવિવારે બપોરે વલસાડ આવી પહોંચતા તેના મોટા ભાગના ડબ્બાઓ ખાલી જોવા મળ્યા હતા.
ગ્વાલિયરથી વલસાડ આવેલી સુશાસન એક્સપ્રેસમાં માત્ર આંગળીના વેઢે ગણાય એટલા જ લોકો - વલસાડ રેલવે સ્ટેશન
વલસાડ જિલ્લામાં પણ રવિવારના રોજ માનવ કરફ્યૂને અનુલક્ષીને લોકોએ સજ્જડ બંધ પાળ્યો હતો. અનેક દુકાનો લારી ગલ્લાઓ બંધ રહ્યા હતા. રેલવે સ્ટેશન ઉપર એક પણ મુસાફર જોવા નહોતા મળતા, ત્યારે વલસાડ રેલવે સ્ટેશન ઉપર શનિવારે સાંજે ગ્વાલિયરથી પુના જતી ટ્રેન આવી પહોચતા ટ્રેનમાં માત્ર ગણતરીના મુસાફરો જોવા મળ્યા હતા. એક ડબ્બામાં તો માત્ર એક વ્યક્તિ જ મુસાફરી કરી રહ્યો હતો અને પોતે પણ માનવ કરફ્યૂને સમર્થન કરતો હોવાનું જણાવ્યું હતું.
વલસાડ સ્ટેશને ગ્વાલિયરથી આવેલી સુશાસન એક્સપ્રેસમાં માત્ર આંગળીના વેંઢે ગણાય એટલા જ લોકો
માત્ર કેટલાક ડબ્બામાં એકલ-દોકલ મુસાફરો જોવા મળ્યા હતા. આવા મુસાફરો સાથે ઇટીવી ભારતની ટીમે વાત કરી હતી, ત્યારે જાણવા મળ્યું કે તેઓ પણ સરકારના સૂચનને સમર્થન કરે છે અને તે જરૂરી છે માટે જ તેઓ મુસાફરી કરી રહ્યા હતા.
નોંધનીય છે કે વલસાડ રેલવે સ્ટેશનથી રોજિંદા 3000થી વધુ લોકો મુસાફરી કરતા હોય છે, પરંતુ રવિવારના રોજ એક પણ વ્યક્તિ અહીં જોવા નહોતા મળી રહ્યા, તમામ સ્ટેશન સુમસામ જોવા મળ્યા હતાં.