- વલસાડી આફુસની પેટન્ટ માટે ખેડૂતોની માગ
- વલસાડી આફૂસ પહેલા રત્નાગીરી આફુસને મળ્યો છે GI ટેગ
- પોતાની અલગ મીઠાશ માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે વલસાડી આફૂસ
વાપી: મહારાષ્ટ્રના રત્નાગીરી આફુસનો ત્યાંના ખેડૂતોએ GI ટેગ મેળવી લીધા બાદ છેલ્લા ચારેક વર્ષથી વલસાડી આફુસને GI ટેગ મળે તેની ચાલતી લડતે ફરી જોર પકડ્યું છે. ત્યારે આ અંગે ETV Bharatએ વલસાડ જિલ્લાના ખેડૂતોના મંતવ્યો જાણ્યા હતાં. સાથે જ શા માટે વલસાડી આફૂસ રત્નાગીરી આફૂસ કરતા ચડિયાતી છે. મીઠાશમાં જગવિખ્યાત છે તે અંગે મહત્વની વિગતો મેળવી હતી.
કૃષિ યુનિવર્સિટીમાં પેટન્ટ રજીસ્ટર્ડ કરાવવાની માગ
વલસાડી આફુસને GI ટેગ મળવો જોઈએ તે અંગે વલસાડ જિલ્લાના જાગૃત અને પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અભિપ્રાય આપ્યા હતાં. જેમાં એક સમયના ભાજપના માજી પ્રમુખ અને જાગૃત ખેડૂત એવા નગીન પટેલે જણાવ્યું હતું કે, આ લડત છેલ્લા 4 વર્ષથી ચાલે છે. કારણ કે, વલસાડી આફૂસ તેની મીઠાશને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. વલસાડ જિલ્લામાં આજે પણ 60થી 70 વર્ષ જુના આફુસના ઝાડ છે. જેના પર ખેડૂતો ઝાડ દીઠ 70 મણ આસપાસનું ઉત્પાદન લઈ રહ્યા છે. જિલ્લામાં સૌથી વધુ આફુસના ઝાડ છે. જો GI ટેગ મળે તો ખેડૂતોને તેના વેંચાણમાં અનેકગણો ફાયદો થઈ શકે છે.
આ પણ વાંચો: વલસાડમાં આંબાવાડી ધરાવતા ખેડૂતો મુકાયા ચિંતામાં
રત્નાગીરી કરતા વલસાડી આફૂસ ચડિયાતી છે
ઉમરગામ તાલુકાના જાગૃત ખેડૂત કેતન નંદવાણાએ જણાવ્યું હતું કે, વલસાડી આફુસને GI ટેગ મળવો જોઈએ, કેમ કે રત્નાગીરી આફૂસ કરતા તે ચડિયાતી છે. તેમ છતાં રત્નાગીરી આફૂસ આફૂસ છે અને વલસાડી આફૂસ આફૂસ નથી તેવો ભ્રમ ફેલાઈ રહ્યો છે. વલસાડી આફૂસ અનેક દેશોમાં નિકાસ થાય છે. જો GI ટેગ મળે તો તેની એક અલગ ઓળખ જળવાઈ રહે, પરંતુ કમનસીબીએ મહારાષ્ટ્રના ખેડૂતોને જે સરકારી પીઠબળ મળે છે તેવું પીઠબળ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મળ્યું નથી. એટલે GI ટેગ મેળવી શક્યા નથી. જ્યારે વલસાડી આફુસની નામના રત્નાગીરી આફૂસ કરતા વધુ છે. તેના પર દક્ષિણ ગુજરાતના ખેડૂતો નિર્ભર છે.