વલસાડ જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર રીંકેશ રાઠોડ સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબરે આવ્યો છે. રીંકેશ રાઠોડ વાપીની સેન્ટ ફ્રાન્સિસ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. રીંકેશે 99.98 પર્સેન્ટાઇલ મેળવી A1 ગ્રેડમાં પોતાનું પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે મુજબ રીંકેશે 94.14 ટકા મેળવી શાળાનું અને વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. પોતાની આ મહેનત અંગે રીંકેશ રાઠોડે જણાવ્યું કે, તે ખૂબ જ ખુશ છે, અને તેમની આ મહેનત માટે શાળાના પ્રિન્સીપાલ, શાળાના શિક્ષકો તેમની માતા અને તેમના ભાઈનો સપોર્ટ ખૂબ જ રહ્યો છે.
રીંકેશે વધુમાં જણાવ્યું કે, પરીક્ષા દરમિયાન તેણે ફેબ્રુઆરી મહિનાથી જ સોશિયલ મીડિયા અને ટીવી જોવાનું બંધ કરી દીધુ હતું. માત્ર વાંચન પર ધ્યાન આપ્યું હતું.રીંકેશ દરરોજ દોઢ કલાક વાંચન કરતો હતો અને ટ્યૂશને જતો હતો. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં જિલ્લામાં અવ્વલ નંબરે આવેલ રીંકેશ રાઠોડ CA બનવા માંગે છે તેમના મતે વધારે વાંચવુંએ નહીં પરંતુ કેટલું અને કેવુ વાંચો છો તે મહત્વનું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રીંકેશ રાઠોડે મેળવ્યું પ્રથમ સ્થાન રીંકેશની માતા ભાવના રાઠોડે પોતાની આંખોમાં હર્ષના આંસુ સાથે જણાવ્યું કે, પોતાના દીકરાએ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવતા ખૂબ જ ખુશી થઈ રહી છે. એક માતા તરીકે પોતાના દીકરાઓ પ્રત્યે તેણે જે મહેનત કરી હતી તે મહેનત સફળ થઇ છે. તેમના દીકરા રીંકેશે પણ ખૂબ જ મહેનત કરીને સિદ્ધિ હાંસલ કરી છે. પોતાના દીકરાઓ માટે પોતાનું શરીર ખરાબ કરનાર માતાએ તેમનો એક દીકરો એન્જિનિયરિંગમાં છે અને બીજો CA બનવા માગે છે. દરેક માં-બાપ પોતાના બાળકો પર સતત ધ્યાન રાખી તેને હુંફ આપવી જોઈએ. જીવનમાં સફળ થઈ શકે છે અને પરીક્ષામાં સારા માર્ક્સ પણ લાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં 8398 વિદ્યાર્થીઓમાંથી 8361 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સમગ્ર વલસાડ જિલ્લામાં બે વિદ્યાર્થીઓએ જ A1 ગ્રેડ, 69 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 426 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ, 201 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, 145 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, 1601 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ, 183 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને એક વિદ્યાર્થીએ E1 ગ્રેડ મેળવ્યો છે. આ તમામમાં રિંકેશ રાઠોડ A1 ગ્રેડમાં પ્રથમ ક્રમે આવ્યો છે.
એ જ રીતે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 72.10 ટકા આવ્યું છે. બંને પ્રદેશનું આ સંયુક્ત પરિણામ છે. જેમાં 1988 વિદ્યાર્થીઓમાંથી 1984 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દાદરાનગર હવેલી અને દમણના આ સંયુક્ત પરિણામમાં એક પણ વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો નથી. જ્યારે 15 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ, 86 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ, 310 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, 557 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, 433 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ, 34 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને એક વિદ્યાર્થીએ E1 ગ્રેડ મેળવ્યો છે.