વલસાડમાં વ્યાપક વરસાદથી ખેડૂતો ડાંગરના પાક માટે ખેતીના કામે લાગ્યા વલસાડ : સામાન્ય રીતે વલસાડ જિલ્લામાં વરસાદ 15 જુનની આસપાસમાં શરૂ થઈ જાય છે, પરંતુ આ વખતે બિપરજોય વાવાઝોડાને કારણે ચોમાસું પાછળ ઠેલાયું હતું. જે વિધિવત રીતે 25 તારીખે સાંજે વલસાડ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. 25 તારીખે સાંજથી શરૂ થયેલા વરસાદે 26 તારીખે બપોર સુધીમાં અનેક વિસ્તારમાં પડતા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તેમજ હજુ પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે.
ક્યાં કેટલો વરસાદ : આજે સોમવારના રોજ વહેલી સવારથી જ અનેક તાલુકામાં વરસાદી માહોલ વલસાડ જિલ્લામાં જોવા મળ્યો છે. વલસાડ ડીઝાસ્ટર કંટ્રોલ રૂમની યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લામાં 6 તાલુકા મળી કુલ સવારે 6થી સાંજે 4 સુધીમાં કુલ 9.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં તાલુકા મુજબ આંકડા જોઈએ તો વલસાડમાં 4 એમએમ, ધરમપુરમાં 15 એમએમ, કપરાડામાં 30 એમએમ, ઉમરગામમાં 98 એમએમ અને વાપી તાલુકામાં 52 એમએમ વરસાદ નોધાયો છે.
ખેડૂતો લાગ્યા કામે : વલસાડ જિલ્લામાં મોટાભાગે ખેડૂતો ડાંગરના પાક પર નભે છે અને ઊંડાણના ગામોના લોકો માત્ર આકાશી ખેતી કરતા હોય છે વરસાદની રાહ જોતા હોય છે. મોડી સાંજથી વરસાદ શરુ થતા જ અનેક ખેડૂતો ખેતરો ડાંગરના પાક માટે તૈયાર કરવા માટે જોતરાયા હતા અનેક ખેડૂતો સારું ડાંગરનું બિયારણ લેવા માટે પણ અનેક બિયારણની દુકાનો પર જોવા મળ્યા હતા.
મધુબન ડેમમાં નવા નીરની આશા :કપરાડા, ધરમપુર અને વાપી માટે દમણગંગા નદી પર બનાવવામાં આવેલા મધુબન ડેમ જીવાદોરી સમાન છે. ઉનાળો આવતા પાણીનો સ્ત્રોત ખૂટી રહ્યો હતો. જોકે હવે વિધિવત વરસાદ શરુ થતા પાણીની આવક વધે એવી આશા બંધાઈ છે, હાલમાં મધુબન ડેમની પાણીની સપાટી 65,75 મીટર છે. જે ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે વધે એવી આશા બંધાઈ છે.
- Vadodara Rain : વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી, પાણી ભરાતા રાહદારીઓ-વાહન ચાલકોને મુશ્કેલીઓ
- Valsad Rain : વલસાડ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી, જિલ્લામાં 1 ઇંચથી 10 ઇંચ વરસાદ
- Jamnagar Rain : જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં નવા નીરની આવક શરૂ