છેલ્લા 3 મહિનામાં 77 પોઝિટિવ અને 1030 શંકાસ્પદ કેસ નોંધાયા વલસાડઃ સમગ્ર જિલ્લામાં ડેંગ્યુનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ માસમાં 1019 શંકાસ્પદ ડેંગ્યુના કેસ જોવા મળ્યા છે. જેમાંથી 77 કેસ પોઝિટિવ જણાયા છે. જેમાંથી સૌથી વધુ 19 કેસ વલસાડ તાલુકામાં જ્યારે ધરમપુર તાલુકામાં સૌથી ઓછો કેસ 1 નોંધાયો છે. બ્લડ બેન્કમાં પ્લેટલેટ બ્લડની પણ અછત વર્તાઈ છે. દિવાળી વેકેશનમાં રક્તદાતાઓ પણ બહાર હોવાથી બ્લ્ડ બેન્કોની સ્થિતિ ગંભીર થઈ છે. ડેંગ્યુ એ શુદ્ધ પાણીમાં થતા મચ્છરો દ્વારા થતો રોગ છે. જે વલસાડ નજીકના શહેરી ક્ષેત્રમાં સૌથી ઝડપી ફેલાઈ રહયો છે. અનેક લોકોને મચ્છરો કરડવાથી ડેંગ્યુની બીમારીનામાં સપડાઈ રહ્યા છે.
અન્ય તાલુકામાં સ્થિતિઃ વાપી તાલુકામાં 230 શંકાસ્પદ કેસમાથી 19 કન્ફર્મ કેસ સામે આવ્યા છે. ઉમરગામ તાલુકામાં 237 શંકાસ્પદ કેસની સામે ૨૫ કન્ફર્મ કેસ નોંધાયા છે. ધરમપુર તાલુકામાં સૌથી ઓછા 47 જેટલા શંકાસ્પદ કેસની સામે 1 કેસ કન્ફર્મ નોંધાયો છે. કપરાડા તાલુકામાં 67 શંકાસ્પદ કેસની સામે 7 જેટલા કેસ નોંધાયા છે. આમ સમગ્ર વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ માસમાં ડેંગ્યુના ભરડામાં આવી ગયું છે.
પ્લેટલેટ બ્લડની અછતઃ ડેંગ્યુના દર્દીના લોહીમાં પ્લેટલેટ ઓછા થઈ જતા હોય છે. એક દર્દી દીઠ ચાર યુનિટ પ્લેટલેટ બ્લડની જરૂર પડતી હોય છે. વલસાડ બ્લડ બેન્કમાંથી વિવિધ હોસ્પિટલોમાં પ્લેટલેટ બ્લડ પહોંચાડવું કપરુ બની રહ્યું છે. હજુ પણ ડેંગ્યુના શંકાસ્પદ દર્દીઓ વલસાડમાં વધી રહ્યા છે. તેથી પ્લેટલેટ વાળા બ્લડની ડીમાન્ડ વધી છે. દિવાળીના સમયમાં રક્તદાતાઓ હાજર ન હોવાથી બ્લડ બેન્કમાં પ્લેટલેટ બ્લડની અછત વર્તાઈ છે. છેલ્લા ત્રણ માસમાં 4,638 યુનિટ બ્લડ વિતરણ કરવામાં આવ્યું છે જેમાંથી 106 યુનિટ પ્લેટલેટ બ્લડ પૂરુ પાડવામાં આવ્યું છે.
સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગની 692 ટીમો કાર્યરતઃ વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગની 692 ટીમ કાર્યરત છે. જ્યાં પાણીનો સંગ્રહ જોવા મળે ત્યાં પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સંગ્રહિત પાણીમાં ગપ્પી ફિશ મુકવામાં રહી છે. જો સામાન્ય તાવ જણાય તો પણ નજીકના સરકારી દવાખાને તપાસ કરાવવા આરોગ્ય ટીમ નાગરિકોને સમજાવી રહી છે.
ડેંગ્યુના લક્ષણોઃ આ રોગમાં દર્દીને ખૂબ તાવ આવે છે. શરીરના વિવિધ સાંધા તેમજ આખું શરીર દુઃખે છે. દર્દીને ઊલટી થાય છે. ઝાડા થવા, અશક્તિ કે નબળાઈ આવવી. બેચેની થવી. ચામડી પર ચકામા પડવા. પેઢામાંથી લોહી નીકળવું. શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે. આ લક્ષણો જોવા મળે તો સત્વરે નિદાન માટે ડૉક્ટર પાસે જવું.
શું તકેદારી લેવી?: શરીર ઢંકાય તેવા આખી બાંયના કપડા પહેરવા, મચ્છરદાની, મચ્છર અગરબત્તીનો ઉપયોગ કરવો. બારી બારણા જરુર ના હોય તો બંધ રાખવા. પાણીનો સંગ્રહ બને ત્યાં સુધી ના કરવો. ખુલ્લા પીપડામાં સંગ્રહિત પાણી પર કપડું ઢાંકીને રાખો. ફુલદાની, પક્ષી માટેના પાણી કુંડા વગેરેમાં અવારનવાર પાણી બદલતા રહો. કન્સ્ટ્રકશન સાઈટ પર પાણી ભરેલ હોય તો તેમાં બળેલું ઓઈલ નાંખવું.
છેલ્લા ત્રણ મહિનાથી વલસાડમાં ડેંગ્યુના કેસ વધી રહ્યા છે. વાપી, સેલવાસ અને દમણમાંથી પણ આ રોગના દર્દી વધી રહ્યા છે. ડેંગ્યુના દર્દીઓ પ્લેટલેટ બ્લડ માટે વલખા મારી રહ્યા છે. વધુમાં વધુ રક્તદાન શિબિરો યોજીને બ્લડ એકત્ર કરવામાં આવે તે જરુરી છે. વલસાડ રક્ત કેન્દ્રના અધિકારીઓ રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે...ભાવેશ રાઈચા(અધિકારી, રક્તદાન કેન્દ્ર, વલસાડ)
- દમણમાં ડેંગ્યુએ બે કર્મચારીઓનો લીધો ભોગ, આરોગ્ય વિભાગે ફટકાર્યો 5 હજારનો દંડ
- ભાવનગરમાં એક જ મહિનામાં ડેન્ગ્યુના 39 કેસ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મેલેરિયાએ માર્યો ઉથલો