- preoccupied સીમકાર્ડની મદદથી સાયબર ક્રાઈમના ગુનાઓને આપવામાં આવતો હતો અંજામ
- લોકોના KYC ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને કોરા સીમકાર્ડમાં paytm અને google પે ચાલુ કરી દેવામાં આવતા હતા
- લોકો પાસેથી નાના ઇન્વેસ્ટ કરાવી છેતરપિંડી કરવામાં આવતી હતી
વલસાડઃ જિલ્લામાં ગત તારીખ 26/ 6/ 2021 ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, સોશિયલ મિડિયામાં એક આઈડી પરથી નાણા ઈન્વેસ્ટ કરવાની વાત કરી અને વધુ વળતર આપવાની વાત કરીને તેમની પાસેથી રૂપિયા 34 હજાર ઓનલાઈન એપ્લિકેશન દ્વારા મંગાવ્યા હતા. જે બાદ ફરિયાદીને છેતરપિંડીનો ભોગ બન્યો હોવાની શંકા જતા તેણે ઈન્વેસ્ટર પાસેથી ફરી આ નાણાં પરત માગ્યા હતા. પરંતુ તેમણે પરત આપવા માટેની ના પાડતાં તેની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાની જાણકારી મળતાં તેમણે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર ક્રાઇમની ટીમ ટેકનીકલ એનાલીસીસની મદદથી એકાઉન્ટ ધારક સુધી પહોંચી
આ સમગ્ર કિસ્સામાં ફરિયાદ મળતાની સાથે વલસાડ સાયબર ક્રાઇમની ટીમ સક્રિય બની હતી અને ટેકનીકલ એનાલીસીસની મદદ દ્વારા ફરિયાદીએ ટ્રાન્સફર કરેલા પૈસા જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા, તે એકાઉન્ટ ધારક સુધી પહોંચી ગઈ હતી. જેમાં મુનફ સત્તર, અહેમદ નેનપુર વાલા, નવાઝ મુનાફ સત્તર નેન્નપૂર વાળાની પોલીસે ધરપકડ કરી હતી. જે બંને આ સમગ્ર કૌભાંડમાં beneficiary એકાઉન્ટ ધારક હતા. સાયબર ક્રાઈમના ગુનામાં પોલીસ તેમને પકડી ન શકે અને કોઈપણ footprint ન મળે તે માટે જુદા જુદા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ટ્રાન્સફર કરેલી રકમ એકથી બીજા ખાતા અને બીજાથી ત્રીજા બેંકના એકાઉન્ટ નંબરમાં ટ્રાન્સફર કરીને વહેંચવામાં આવી હતી અને આ માટે preoccupied સીમકાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો.
સોશિયલ મિડિયા પર ફોરેક્સ ટ્રેડિંગ માટે આઇડી બનાવી પ્રમોશનલ જાહેરાત મૂકીને કસ્ટમર શોધવામાં આવતા હતા
પોલીસે આ સમગ્ર કિસ્સામાં ઝડપી પાડેલા પાંચ આરોપી પૈકી મુખ્ય આરોપી અહમદ રઝા ઉર્ફે છબો, અસલમ નૂરાની સોશિયલ મિડિયા ઉપર ફોરેક્સ ટ્રેડિંગ માટે આઈડી બનાવી પ્રમોશનલ જાહેરાતો મૂકતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિવિધ કસ્ટમર શોધી કાઢતો હતો અને લોકો પાસે વધુ વળતર આપવાની લાલચ આપી પૈસા ઈન્વેસ્ટ કરાવતો અને આ પૈસા તે વિવિધ વોલેટ ના માધ્યમથી બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો હતો.
કેવી રીતે ચાલતું હતું આ સમગ્ર કૌભાંડ અને કેટલી જગ્યાએ ટ્રાન્સફર થતા હતા પૈસા
સાયબર ક્રાઇમની ટીમે ટેક્નિકલ એનાલિસિસ દ્વારા તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે, ફરિયાદીના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થયેલી રકમ એક પેમેન્ટ બેન્ક દ્વારા ચેતન જરીવાલા નામના એક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ હતી. જે બાદ એ રકમ અવેસ અસફક ભીમાણી નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ હતી, તે પછી ફરીથી આ રકમ ઓનલાઈન પેમેન્ટના માધ્યમ દ્વારા અનાસ ઓરાવાલા નામના એક એકાઉન્ટમાં ટ્રાન્સફર્ થઈ હતી અને ત્રણ જગ્યાએ ટ્રાન્સફર થયા બાદ અંતે આ રકમ એક બેન્કના અકાઉન્ટ ધારક ફેનીલ આબાનુ મુનાફ નેનપુર વાલા ના એકાઉન્ટમાં પહોંચી હતી. પોલીસે આ તમામ એકાઉન્ટ તપાસ કરતા પ્રથમ ત્રણ એકાઉન્ટ કેવાયસી ડીટેલ ધરાવતા ફેક સીમકાર્ડ પરથી બનાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદમાં આંગણવાડીમાં નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા શખ્સની ધરપકડ