ફરિયાદ તદ્દન ખોટી હોવાનો પર્દાફાશ વાપી : કપરાડા તાલુકામાં પેટ્રોલપંપ પર નોકરી કરતા કર્મચારીએ પેટ્રોલપંપના પૈસા પોતાના સાળાને આપ્યા બાદ પૈસા પરત આપવા પડે નહીં તેવા આશયે સાળા સાથે મળી લૂંટની ઘટનાનું નાટક ઉભું કર્યું હતું. જેનો પોલીસે પર્દાફાશ કરી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. લૂંટની ઘટના હોવાના કારણે વલસાડ એલસીબી, એસઓજી અને કપરાડાની પોલીસ આરોપીઓને પકડવા દોડતી થઈ ગઇ હતી.
ખોટી ફરિયાદ નોંધાવનાર કર્મચારી સામે કાર્યવાહી હાથ ધરી : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પેટ્રોલ પંપ પરથી જિલ્લા કંટ્રોલરૂમમાં બે દિવસ પહેલા રાત્રે 2:30 વાગ્યા આસપાસ ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે, કપરાડાના એચપી પેટ્રોલ પંપ પર પાંચ જેટલા અજાણ્યા લૂંટારાઓએ આવી પેટ્રોલ પંપના કર્મચારીને ખુરશી સાથે બાંધી દઈ 35,000 રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા છે. જો કે, આવી કોઈ જ ઘટના બની ન હોવાનું અને ફરિયાદીએ ખોટી ફરિયાદ નોંધાવી હોવાનો પોલીસે પર્દાફાશ કરી સાળાબનેવી સામે કાર્યવાહી હાથ ધરી છે.
હકીકતમાં એચપી પેટ્રોલપંપ પર કામ કરતા ગણેશ વરઠાએ પેટ્રોલપંપની આવકમાંથી 35000 રૂપિયા તેમના સાળાને આપ્યા હતાં. સાળા સાથે ફ્રોડ થઈ જતા તે રકમ મળે તેમ નહોતી. એટલે સાળા બનેવીએ તરકટ ઉભું કર્યું હતું. જેમાં સાળાના અન્ય મિત્રોને સાથે રાખી રાત્રીના સમયે પેટ્રોલપંપ પર લૂંટનું નાટક કર્યું હતું. જેમાં જિલ્લામાં નાકાબંધી કરી LCB, SOG અને કપરાડાની પોલીસ દોડતી થઈ હતી...બી. એન. દવે(ડીવાયએસપી વાપી ડિવિઝન)
બંને આરોપીઓની ધરપકડ : એચપી પેટ્રોલપંપ પર લૂંટની ફરિયાદ ખોટી હોવાનું સાબિત થતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. તેમણે ફરિયાદમાં લખાવેલ મોબાઈલ અને બાઇકની જપ્તી કરી છે. તેમજ પોલીસને અને પેટ્રોલપંપના માલિક, કર્મચારીઓને ગેરમાર્ગે દોરવા સંદર્ભે વિવિધ કલમો હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Ahmedabad Crime News : લૂંટનું નાટક કરી દિલ્હી પહોંચવા માગતો નકલી NIA અધિકારી ઝડપાયો
- દેવું વધી જતા યુવકે લૂંટનું નાટક રચ્યું, ગણતરીમાં પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો
- Ahmedabad Fake Kidnapping : 17 વર્ષીય સગીરે પોતાનું જ અપહરણ કરાવ્યું, ક્રાઈમબ્રાન્ચે આ રીતે કર્યો પર્દાફાશ...