વાપી : વાપીમાં યુપીએલ બ્રિજ નજીક પાર્ક કરેલ ટ્રકના ડ્રાઇવર પાસે લાયસન્સ અને જરૂરી કાગળો માંગ્યા બાદ કાર્યવાહી ન કરવા માટે 2000 રુપિયાની લાંચ લેનારા વાપી જીઆઈડીસી પોલીસ મથકના અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડને એસીબી એ ગોઠવેલ છટકામાં ઝડપી પાડ્યા છે.
વાપીમાં એસીબીની સફળ ટ્રેપ: આ અંગે વલસાડ અને ડાંગના એસીબી પીઆઈ અને ટ્રેપિંગ અધિકારી કે. આર. સક્સેનાએ જણાવ્યું હતું કે, એસીબી સુરત એકમના મદદનીશ નિયામક અને સુપરવિઝન અધિકારી એ. કે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ વાપીમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં વાપી જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઇન્વે. ઓફિસની બહાર વાપી GIDC પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સાગર ડોડીયા અને હોમગાર્ડ આશિષ પાલ એક ટ્રક ડ્રાઇવર પાસેથી 2000 રૂપિયાની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા છે.
પકડાયેલ બન્ને આરોપીઓએ પુનીયા રોડ લાઇન્સની ટ્રક નં. DD-01-G-9639 ની વાપી જી.આઇ.ડી.સી. ચાર રસ્તાથી યુ.પી.એલ. કંપની તરફ જતા સર્વીસ રોડ પર પાર્ક કરેલ હોય જે ટ્રકના ડ્રાયવર પાસેથી ટ્રકના કાગળો તથા ડ્રાયવરનું લાયસન્સ લઇ ટ્રકના ડ્રાયવર તથા આ કામમાં સહકાર આપનારને વાપી બ્રિજ નીચે બોલાવી કાયદેસરની કાર્યવાહી ન કરવાની અવેજ પેટે 2000 થી 5000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી...કે. આર. સક્સેના(ટ્રેપિંગ અધિકારી)
લાંચની રકમ સ્વીકારતાં જ અટકાયત: વાપી એસીબીએ વધુમાં જણાવ્યું હતું કે, લાંચ આપવા નમાંગતા ફરિયાદીએ વાપી એસીબીમાં ફરિયાદ કરી હતી. જેને લઇને એસબીબી પીઆઈ કે. આર. સક્સેનાએ સ્ટાફ સાથે મળી છટકું ગોઠવ્યું હતું. જેમાં મૂળ યુપીનો અને હાલમાં વાપીના ચંડોર ગામે રહી વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા આશીષ અમરનાથ પાલ અને વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા મૂળ રાજકોટના અને વાપી પોલીસ લાઈનમાં રહેતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ સાગર રણજીતભાઇ ડોડીયા લાંચની રકમ સ્વીકારી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરતા હતાં ત્યારે જ રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં.