એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત મહિલાઓને સન્માન આપી રહ્યા છે ત્યારે આ વાતને સાર્થક કરતો કિસ્સો વલસાડમાં જોવા મળ્યો છે. વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન દ્વારા દર વર્ષે વલસાડમાં આવેલા સ્ટેડિયમમાં અનેક ક્રિકેટ મેચ નું આયોજન કરવામાં આવે છે.
મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા વલસાડ ક્રિકેટ એસોસિએશનની અનોખી પહેલ - unique initiative
વલસાડઃ ભારતને ઘેલુ બનાવનાર ક્રિકેટની રમતમાં મહિલાઓ પણ ભાગ લેતી થાય તે માટે વલસાડ ખાતે જિલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા વિનામૂલ્યે ક્રિકેટ કોચિંગ આપવામાં આવી રહી છે. ક્રિકેટમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે આ અનોખી પહેલ વલસાડથી શરૂ થઈ છે.
આ સ્ટેડિયમ ખાતે અનેક ખેલાડીઓ પ્રશિક્ષણ અને પ્રેક્ટિસ કરે છે. ત્યારે ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા વલસાડ શહેર અને વલસાડ જિલ્લામાં આવેલા અનેક ગામોમાં રહેતી પ્રતિભાશાળી યુવતીઓ માટે નિઃશુલ્ક ક્રિકેટ કોચિંગ શરુ કરવામાં આવ્યું છે. અહીં હાલમાં 50થી વધુ યુવતીઓ ક્રિકેટ અંગેનું પ્રશિક્ષણ લઈ રહી છે. તો સાથોસાખ પ્રશિક્ષણ મેળવનારી આ યુવતીઓ પૈકી ત્રણ યુવતીઓ માત્ર રાજ્યકક્ષાએ નહીં પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી વલાસડનું નામ રોશન કરી ચૂકી છે.
સામાન્ય રીતે વલસાડ જેવા શહેરમાં અને તેની આસપાસ આદિવાસી વિસ્તારમાં રહેતી યુવતીઓ ક્રિકેટ ક્ષેત્રે લઘુત્તમસંખ્યામાં કારકીર્દી બનાવવા ઈચ્છતી હોય છે. પરંતુ મહિલા ક્રિકેટ માટે યુવતીઓ પ્રોત્સાહન આપવા માટે વલસાડ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા અનોખી પહેલ હાથ ધરી નિઃશુલ્ક કોચિંગ શરૂ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ખાનગી સંસ્થામાં ક્રિકેટનું કોચિંગ લેવા જવું હોય તો મહિને વીસેક હજાર રૂપિયાનો ખર્ચ ચૂકવવાનો થતો હોય છે. તેવાાં વલસાડમાં યુવતી માટે કોઈ પણ જાતનો ખર્ચ લેવામાં આવતો નથી. તેમજ અહીં કોચિંગ આપતા કોચ રણજીટ્રોફીના અનુભવોમાંથી પસાર થયેલા છે.