- વલસાડ કલેક્ટરે કરી જન મન અભિયાનની નવી પહેલ કરી
- 25 ડિસેમ્બરના રોજ ધરમપુર ખાતેથી રથની શરૂઆત
- જિલ્લાની જનતાને વિકાસ યાત્રામાં જોડવા પ્રજાલક્ષી અભિગમ અપનાવાયો
વલસાડ : કલેક્ટર આર.આર.રાવલે જન મન અભિયાનની નવી પહેલ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનતાની વેદનાને વાચા આપી લોકહૃદય સુધી પહોંચવા જન મન અભિયાનનો શ્રેષ્ઠ પ્રામાણિક પ્રયાસ થકી જિલ્લાની જનતાને વિકાસ યાત્રામાં જોડવા પ્રજાલક્ષી અભિગમ અપનાવાયો છે. જન મન અભિયાનના ત્રીજા તબક્કામાં વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુરના સંયુક્ત સહકારથી જન કલ્યાણનો અટલ-સેવા-શટલ 25 ડિસેમ્બરના રોજ રથની શરૂઆત સ્વ.વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇની જન્મતિથિ અને ગુડ ગર્વન્નસ ડેના ઉપલક્ષમાં તા.25 ડિસેમ્બર 2020ના રોજ ધરમપુર ખાતેથી કરવામાં આવશે.
અટલ-સેવા- શટલના મુખ્ય બે ભાગ રહેશે
જન કલ્યાણના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર પોતાની નાગરિક જવાબદારી અને નૈતિક ફરજ અદા કરશે. આ અટલ-સેવા- શટલના મુખ્ય બે ભાગ રહેશે. જે પૈકી ભાગ-1 માં વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના તમામ ગામોમાં કેન્દ્ર અને રાજય સરકારની આરોગ્ય અને મહિલા બાળ કલ્યાણની તમામ કલ્યાણકારી યોજનાઓ લોકહૃદય સુધી પહોંચે તથા તેની અક્ષરશઃ અમલવારી થાય તે માટે પ્રધાનમંત્રી માતૃવંદના, આંગણવાડી કેન્દ્ર, રાષ્ટ્રીય પોષણ અભિયાન, પૂર્ણા, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ, કુપોષણ મુકત ગુજરાત, બાલ સખા, બાળ સંજીવની, ચિંરજીવી, મા કાર્ડ/મા વાત્સલ્ય/ આયુષ્માન ભારત, જનની સુરક્ષા, યોજનાઓનો લાભ ઘર બેઠાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. વ્હાલી દીકરી જેવી યોજના હેઠળ બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓની સંભાળ, વનરેબલ પોપ્યુલેશનમાં વરિષ્ઠ નાગરિકો, ટી.બી,ડાયાબીટીસ, હાઇપર ટેન્શન જેવા રોગથી પીડાતા લોકોની વિશેષ સંભાળ લેવાશે.