- કોરોના વધતા કેસને લઇને કલેક્ટર આર.આર. રાવલે બેઠક યોજી
- બેઠકમાં જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યાં
- કોવિડ-19ના નિયમોનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી
- RTO અને પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી
વલસાડ: જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ ઔદ્યોગિક વિસ્તારોમાં તમામ ઔદ્યોગિક એકમોને જિલ્લા કલેક્ટર આર.આર. રાવલે તાકીદ કરતા જણાવ્યું છે કે, દરેક એકમો પોતાના દરેક કર્મચારીઓને ડિસ્પોઝલ માસ્ક પુરા પાડે, ઇન્ફેકશન કંટ્રોલ સિસ્ટમની અમલવારી કરે તે જરૂરી છે. આ ઉપરાંત દરેક કર્મચારીઓ પાસે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવા, તમામ કામદારોને આયુર્વેદિક ઉકાળા પીવડાવવા શંમશમનીવટી, આર્સેનિક આલ્બમનું વિતરણ કરવા, આવતા-જતાં તમામનું હેલ્થ સ્કિનિંગ કરવાની સાથે સેનીટાઇઝરની વ્યવસ્થા પણ કરવાની રહેશે.
આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરવા, ઔદ્યોગિક એકમોમાં વેન્ટીલેશનની વ્યવસ્થા કરવાની સાથે જરૂરિયાત મુજબના જ કામદારો કામ કરે છે કે કેમ? તે માટે જી.આઇ.ડી.સી. મેનેજર, ફેક્ટરી ઇન્સ્પેકટર, ઇન્સ્પેકશન ઓફિસર સહિતની ટીમ ઔદ્યોગિક એકમોનું આકસ્મિક ચેકિંગ હાથ ધરશે. જેમાં ફેક્ટરી કે ઔદ્યોગિક એકમ કસૂરવાર ઠરશે, તો કારખાના સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.