વાપી: વલસાડ જિલ્લાના વલસાડ અને વાપીમાં પોલીસની ઓળખ આપી વૃદ્ધ સ્ત્રી-પુરુષોને લૂંટતી ગેંગના 2 સભ્યોને વલસાડ LCB ની ટીમે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પકડાયેલ બંને આરોપીઓ વૃદ્ધ છે અને તેમના પરિવારજનો સાથે મળી પોલીસની ખોટી ઓળખ આપી લોકોના દાગીના લૂંટી ફરાર થઈ જતા હતાં. આ ગેંગ પર મહારાષ્ટ્રમાં મકોકા સહિત અનેક ગુનો નોંધાયેલા છે.
કેવી રીતે કરતા હતા લૂંટ:વલસાડના તિથલ રોડ પર ગત 23મી માર્ચના 65 વર્ષીય મધુબેન વિનોદભાઇ મિસ્ત્રી ચાલતા જતા હતા ત્યારે બાઇક પર આવેલ 2 ઈસમોએ પોલીસની ઓળખ આપી આગળ કોઇએ એક બેનના દાગીના કાઢી લીધેલ છે. આગળ પોલીસ ઉભી છે તેવુ જણાવી સોનાના દાગીના કાઢીને થેલીમાં મુકી દેવાનું કહી તે વખતે બીજો ઇસમ ત્યાં આવી તેને પણ દાગીના કાઢીને ખીસામાં મુકી દીધેલ છે. તેવું જણાવી ખીસામાંથી દાગીના કાઢી બતાવી વિશ્વાસ ભરોસો આપી ફરીયાદી પાસે તેણે પહેરેલ સોનાના દાગીનાઓ કઢાવી ફરીયાદીની થેલીમાં મુકાવી તે વખતે નજર ચુકવી ફરીયાદીની સોનાની બંગડીઓ તથા ગળામાં પહેરેલ સોનાની ચેઇન મળી કુલ 99, 000 નો મુદામાલ લઇ નાસી ગયા હતાં.
LCB ની ટીમે 2 વ્યક્તિની ધરપકડ કરી:આ ઘટના બાદ ફરી 1 એપ્રિલના વાપીના કચીગામ રોડ પર રિક્ષાની રાહ જોતા 55 વર્ષીય નિર્મલાબેન ચંદુલાલ ભાનુશાળીને પણ પોલીસ ઓફીસર તરીકેની ઓળખ આપી આગળ મર્ડર થઇ ગયેલ છે તેમ જણાવી 50 હાજરની કિંમતની સોનાની બંગડી કઢાવી ફરાર થઈ ગયા હતાં. ચારેક દિવસ પહેલા વાપી GIDC વિસ્તારમાં પણ એક વૃદ્ધના હાથમાંથી સોનાની વીંટી ઉતારવી ફરાર થઈ ગયા હતા. વલસાડ જીલ્લામાં છેલ્લા બે માસ દરમ્યાન બનેલી આ ઘટના બાદ વલસાડ LCB ની ટીમે 2 વૃદ્ધ આરોપીઓની ધરપકડ કરી ગુનો ડિટેકટ કર્યા છે.
'પકડાયેલ આરોપીઓ વલસાડ અને વાપીમાં જાહેર રસ્તા પર પસાર થતા સીનીયર સીટીઝનને પોલીસની ઓળખ આપતા હતાં. આરોપીઓ આગળ કોઇ વ્યકિતનું મર્ડર થયેલ છે. જેથી સોનાના દાગીના પહેરવા સુરક્ષિત નથી તથા ચોરી-લૂંટના બનાવ બનેલ છે જેથી સોનાના દાગીના પહેરવા નહીં અને સોનાના દાગીના પહેરેલ હશે તો પોલીસ દંડ કરશે તેવી વાત કરી સોનાના દાગીના ઉતરાવી નજર ચુકવી સોનાના દાગીના લઇ નાસી જતા હતાં.' -ડૉ. રાજદીપસિંહ ઝાલા, વલસાડ જિલ્લા પોલીસવડા
ઈરાની ગેંગ તરીકે ઓળખાય છે:પોલીસની ઓળખ આપી દાગીના લૂંટતી આ ઇરાની ગેંગના બે સાગરીતો એવા કમ્બરઅલી ઉર્ફે અખ્તર ઉર્ફે ખમ્મર અનવર અલી જાફરી તથા નાદરઅલી નૌસીરઅલી જાફરી તથા આરોપી કમ્બરઅલીનો પુત્ર તબરેઝ તથા આરોપી નાદીરઅલીનો પુત્ર અસદુલ્લા સાથે મળી આ ગુન્હાઓ આચરતા હતાં. જે પૈકી કમ્બર અલી અને નાદર અલીની ધરપકડ કરી લેવામાં આવેલ છે.