મહારાષ્ટ્રના પાલઘર નજીકમાં રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા વહેલી સવારે મુંબઈથી અમદાવાદ તરફનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. સવારે આવતી શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ, કર્ણાવતી એક્સપ્રેસ સહિતની ટ્રેનો પાણી ઓસર્યા બાદ રવાના કરવામાં આવી હતી. જેને લઈને તેના નિયત સમય કરતાં એક થી દોઢ કલાક ટ્રેન મોડી દોડી હતી. તો વલસાડથી મુંબઈ જતી ટ્રેનો પૈકી એક બે ટ્રેનો રદ કરવામાં આવી હતી.
પાલઘર નજીક રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા અનેક ટ્રેનો એક થી દોઢ કલાક મોડી
વલસાડ: છેલ્લા બે દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગને પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. ત્યારે ગઈકાલે રાત્રે વરસાદના કારણે મુંબઈના પાલઘર નજીકમાં રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા મુંબઈ અમદાવાદ રેલ્વે વ્યવહારને અસર પહોંચી હતી. આ ઘટનાને લઈને અમદાવાદ તરફ જતી એક્સપ્રેસ ટ્રેનો એક થી દોઢ કલાક મોડી દોડી હતી. જ્યારે કેટલીક ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી.
આ સમગ્ર બાબતે માહિતી આપતા વલસાડ સ્ટેશન મેનેજર રમણલાલે જણાવ્યું કે, પાલઘરમાં થયેલા વરસાદી પાણી ભરાવવાની સમસ્યાને કારણે મુંબઈ અમદાવાદ ટ્રેન વ્યવહારને અસર થઈ છે. સવારે મુંબઈથી આવતી કર્ણાવતી એક્સપ્રેસ દોઢ કલાક મોડી દોડી, ડબલ ડેકર એક્સપ્રેસ પણ 1 કલાક મોડી દોડી, ગુજરાત એક્સપ્રેસ જે સવારે 9 કલાકે વલસાડ આવે છે તે 11 કલાકે વલસાડ પહોંચી હતી. તો સુરતથી મુંબઈ તરફ જનારી ફ્લાંઈગ રાણી રદ કરી દેવામાં આવી હતી. વલસાડથી ઉપડીને વહેલી સવારે મુંબઈ સેન્ટ્રલ જતી વલસાડ મુંબઈ સેન્ટ્રલને ઉદવાડા સુધી મોકલી અને બાદમાં તેને રદ કરી દેવાઈ હતી, જ્યારે 6 કલાકે વલસાડથી વિરાર જતી ટ્રેનને પણ રદ કરી દેવામાં આવી છે, જોકે હવે પાણી ટ્રેક પરથી ઉતરતા ટ્રેન વ્યવહાર ફરીથી શરૂ થઈ ચૂક્યો છે. પણ ટ્રેનો તેના નિયત સમય કરતાં મોડી દોડી રહી છે.
અત્રે નોંધનીય છે કે, વલસાડ સ્ટેશને મુંબઈ જનારા અને અમદાવાદ સુધી જનારા અનેક મુસાફરો ટ્રેનો 1 કલાકથી વધુ સમય મોડી દોડતા પરેશાન બન્યા હતા.