આ અંગે વધુ કરમબેલા રેલવે સ્ટેશનના સ્ટેશન સુપરિટેન્ડન્ટ સુરેશ મીનાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા ટ્રેન અડફેટે એક સાથે 15 ગાય કપાઈ ગઈ હતી. જે બાદ વરસાદ વરસતો હોય તેનો નિકાલ કરી શકાયો ન હતો. જેથી મૃતદેહોમાંથી ખુબ જ દુર્ગંધ આવતા સ્થાનિક લોકો અને ગૂડ્સ યાર્ડમાં આવતા ટ્રક ડ્રાઈવરોએ રેલવે ટ્રેક પર જઈ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
ટ્રેન અડફેટે મોતને ભેટેલ ગાયોના મૃતદેહો રેલવે દૂર નહીં કરતા સ્થાનિકોએ રોકી ટ્રેન - રેલવે સ્ટેશન
વાપી: રેલવે સ્ટેશન નજીક કરમબેલા ગૂડ્સ યાર્ડ ખાતે આજે સ્થાનિક લોકો અને ટ્રકના સરદારજીઓએ મુંબઈ તરફથી આવતી જતી ટ્રેનને રોકીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ ત્રણ દિવસ પહેલા ટ્રેન અડફેટે એકસાથે 15 જેટલી ગાયો કપાઈ ગયા બાદ રેલવે તંત્રએ તેના મૃતદેહનો નિકાલ નહીં કરતા આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું.
આ જનતાના આક્રોશમાં વિરાર શટલ સહિત ત્રણેક ટ્રેનને રોકી જ્યાં સુધી મૃતદેહો નહીં હટાવો ત્યાં સુધી ટ્રેનને જવા નહીં દઈએ તેવી જીદ પકડી હતી. બપોરના 2 વાગ્યા આસપાસ બનેલ આ ઘટનામાં રેલવે વિભાગે તમામ લોકોને એકાદ કલાકમાં તમામ મૃતદેહો હટાવી લેવા અને હાલ પૂરતા પાવડરનો છટકાવ કરવાની ખાતરી આપતા લોકટોળુ વિખેરાયું હતું અને ટ્રેનનો આવાગમન શરૂ થયુંં હતું.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે મળસ્કે ફાસ્ટ ટ્રેનમાં 15 ગાયો કપાઈ હતી અને ચાર ઘાયલ થઈ હતી. જે બાદ વરસાદી માહોલમાં રેલવે તંત્ર દ્વારા મૃતદેહો દૂર કરવાની કામગીરી વિસરાઈ હતી. હાલ ટ્રકના પંજાબી ડ્રાઈવરો અને સ્થાનિકોના આક્રોશ બાદ RPFના જવાનોને કરમબેલા રેલવે સ્ટેશન પર બોલાવવામાં આવ્યા છે અને ચુસ્ત બંદોબસ્ત સાથે કોઈ મોટી ઘટના બને તે પહેલાં ગાયોના મૃતદેહો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.