વાપીમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી સાથે પેપર ઇન્ડસ્ટ્રી પણ આવેલી છે. આ પેપરમિલમાં મોટાપાયે વિદેશમાંથી વેસ્ટ પેપરની આયાત કરી તેને પલ્પમાં ફેરવી તેમાંથી રિસાયકલ પેપર બનાવામાં આવે છે. વિદેશથી આવેલા આ પેપરમાં તેનો કેટલોક ભાગ પ્લાસ્ટિકનો પણ આવતો હોય છે.
વાપીની આ કંપની બનાવે છે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ
વાપી: એક સમયે પેપરમિલમાંથી નીકળતો વેસ્ટ પ્લાસ્ટિક કચરો માથાનો દુખાવા સમાન હતો. જેને ઉદ્યોગકારો ડમ્પીંગ સાઈટમાં ઠાલવતા હતાં અથવા તો સળગાવી દેતા હતાં. પરંતુ, હવે વાપીમાં આવેલી બેસ્ટ પેપરમિલ કંપનીએ તેનો ઉપાય શોધી કાઢ્યો છે. આ પેપરમિલ પ્લાસ્ટિક વેસ્ટને બહાર ફેંકવાને બદલે તેમાંથી છતના પતરા અને ફર્નિચરની શીટ બનાવી વધારાની કમાણી સાથે પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પહેલમાં સહભાગી થઈ રહી છે.
મોટાભાગની પેપર મિલ જે તે ડમ્પીંગ સાઈટમાં ઠાલવી કે અન્ય સ્થળે ઠાલવી સળગાવી દેતા હતાં. જેના કારણે પોલ્યુશન ફેલાતું હતું. જે બાદ આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ગંભીર બન્યું અને તેના યોગ્ય નિકાલ માટે બોઇલર પ્લાન્ટ ધરાવતી સિમેન્ટ ફેક્ટરીઓમાં તેને કોલસાની અવેજીમાં ઇંધણ તરીકે વાપરવાની છૂટ આપી. સિમેન્ટ ફેક્ટરીઓમાં કોલસાના ઈંધણ સામે પ્લાસ્ટિક વેસ્ટ સસ્તું અને વધુ એનર્જી આપતું ઇંધણ સાબિત થયું.
તે દરમિયાન વાપીની બેસ્ટ પેપરમિલ દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી કંઈક અનોખું બનાવવાની ટેકનિક જાણી અને છેલ્લા 9 વર્ષથી બેસ્ટ પેપર મિલમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સિમેન્ટના પતરાની જેમ પ્લાસ્ટિકના પતરા અને પ્લાયવુડ શીટની જેમ પ્લાસ્ટિકની શીટ બનાવવામાં આવે છે. પતરા છત માટે તો શીટ ટેબલ, ખુરશી સહિતની અનેક ફર્નિચરની ચીજવસ્તુઓ માટે વપરાય છે અને તે ઇકોફ્રેન્ડલી હોવાને કારણે તેની દિવસે દિવસે માગ પણ વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વેસ્ટ પ્લાસ્ટિકમાંથી જે પ્રોડક્ટ બનાવવામાં આવે છે તેમાં હાલ માત્ર વિદેશથી આયાત કરેલા પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ થાય છે. ઘરેલુ પ્લાસ્ટિકમાં અનેક પ્રકારની ચીજવસ્તુઓ મિક્સ હોવાને કારણે તેનું ગ્રેડિંગ કરવું મુશ્કેલ છે. પરંતુ જો તેમાં યોગ્ય ટેક્નિક સાથે ગ્રેડિંગ કરવામાં આવે તો આગામી દિવસોમાં ઘરેલુ પ્લાસ્ટિકનો પણ રિસાયકલ પ્રોડક્ટ તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે.