- દેશમાં કોલસાની કોઈ કમી નથી
- ખેડૂત આંદોલન રાજકીય ષડયંત્ર
- પ્રવાસી સંમેલનમાં ઉપસ્થિત રહ્યા કૈલાશ ચૌધરી
વાપી, વલસાડ : તાલુકામાં રાજસ્થાની સમાજ દ્વારા પ્રવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સંબોધવા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય પ્રધાન કૈલાશ ચૌધરી વાપી આવ્યાં હતાં. વાપીમાં VIA હોલ ખાતે આયોજિત પ્રવાસી સંમેલનમાં રાજ્યપ્રધાને ભાજપ સરકારની ખેડૂત કલ્યાણ યોજનાઓ થકી ખેડૂતોના વિકાસની ગાથા રજૂ કરી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, "દેશમાં કોલસાની કોઈ કમી નથી, અને હાલમાં ચાલતું ખેડૂત આંદોલન રાજકીય ષડયંત્ર છે."
દેશમાં કોલસાની કે, વીજળીની કોઈ સમસ્યા નથી - કૈલાશ ચૌધરી
દેશમાં કોલસાની કોઈ કમી નથી. વીજળીની કોઈ સમસ્યા નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય દેશના અંતિમ છેવાડાના વ્યક્તિને સુવિધા પૂરી પાડવાનું છે. કોરોનામાં મોદી સરકારે સમયસર લોકડાઉન લગાડી વિશ્વના અન્ય દેશોની તુલનાએ મૃત્યુદરને કન્ટ્રોલ કર્યો છે. દેશમાં કોઈ ભૂખ્યો સૂતો નથી અને કોઈ અસુરક્ષિત પણ નથી. તેવું વાપીમાં પ્રવાસી સંમેલનમાં આવેલા રાજસ્થાનના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યપ્રધાન કૈલાશ ચૌધરીએ જણાવ્યું હતું.
રાજકીય ષડયંત્ર હેઠળ તેને આંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું
કૈલાશ ચૌધરીએ વધુમાં કિસાન આંદોલન અંગે જણાવ્યું હતું કે, જે કાનૂન બનાવવામાં આવ્યો છે. તે ખેડૂતોના કલ્યાણ માટે છે. ખેડૂતોની આઝાદી માટે છે. વર્ષોથી ખેડૂતોની જ માંગ હતી કે તેઓને પોતાનો પાક પોતાની મરજીથી અને પોતાના ભાવે વેંચવાની આઝાદી મળે જે અધિકાર આ બિલ થકી આપવામાં આવ્યો છે. પણ રાજકીય ષડયંત્ર હેઠળ તેને આંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ખેડૂતોના ખંભે આ બંદૂક ફોડવામાં આવી છે.