વલસાડ: રેલ્વે સ્ટેશનની મુલાકાતે આવેલા પશ્ચિમ રેલવેના ડીઆરએમ સત્યેન્દ્ર કુમારે જણાવ્યું કે, કોરોના વાયરસના કહેર વચ્ચે લોકોમાં જાગૃતતા લાવવા રેલવે તંત્ર પણ પાછળ રહ્યું નથી. રેલવે તંત્ર પણ રોજિંદા રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોના સ્વાસ્થ્ય બાબતે ચિંતિત છે. રેલવે દ્વારા સ્વચ્છતા રાખવા તેમજ ટ્રેનોના વિવિધ દબાવમાં એન્ટી બેક્ટેરિયલ સ્પ્રેનો છંટકાવ તેમજ 3 કલાકમાં 13,500 જેટલા પોસ્ટરો સ્ટેશનો ઉપર લગાવીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કારોનાના કહેરથી બચવા પશ્ચિમ રેલવે પણ બન્યું સજ્જ આ સાથે સાથે દરેક દેશ ઉપર ઓડિયો દ્વારા ઓટોમેટીક એનાઉન્સમેન્ટ તેમજ એલઇડી સ્ક્રીન ઉપર સતત કોરોના વાયરસની જાગૃતતા અંગેના મેસેજો સાથે વિઝ્યુલ દર્શાવવામાં આવી રહ્યાં છે.
રેલવે સ્ટેશન ઉપર જ્યાં ચાર વાર સવાર, બપોર, સાંજ અને રાત્રે સફાઈ કરવામાં આવતી હતી. ત્યાં હવે ચાર વખત કરતા વધુ સાફ સફાઇને ધ્યાન આપવા દરેક સ્ટેશનોમાં સૂચન કરવામાં આવ્યું છે. સાથે સાથે ટ્રેનોના ડ્રાઇવરો તેમજ અન્ય સ્ટાફને વિવિધ ઇક્વિપમેન્ટ જેવા કે, માસ્ક સેનેટાઈઝર પણ પૂરા પાડવામાં આવ્યા છે.
આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના વાયરસને લઈને પશ્ચિમ રેલવે પણ સતર્ક અને સજ્જ બન્યું છે. ઉલ્લેખનીય છે કે, વલસાડ રેલવે સ્ટેશન ઉપર ડીઆરએમ આવવાના હોવાથી વહેલી સવારથી જ સ્વચ્છતા તેમજ વિવિધ દવાઓનો છંટકાવ, એન્ટી બેક્ટેરિયલ સ્પ્રે નાખવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તેની સાથે સાથે રેલવેમાં થતા એનાઉન્સમેન્ટની સાથે જ કોરોના વાયરસ અંગે જાગૃતતાનું એનાઉન્સમેન્ટ પણ પ્લેટફોર્મ ઉપર માઇક દ્વારા મુસાફરોને મળે તે પણ શરૂ કરાયું હતું.