વલસાડઃ અરબી સમુદ્રમાં "હિકા" વાવાઝોડુ સક્રિય થઈ રહ્યું છે. જે આગામી તારીખ 4 જુન સુધી ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ત્રાટકે એવી શકયતાઓ હવામાન વિભાગે કરી છે. ત્યારે ગુજરાતના દરિયા કિનારે માછીમારી કરતા માછીમારોને 31 મેથી 4 જૂન સુધી દરિયામાં માછીમારી નહીં કરવા સુચન કર્યુ છે. જે અંગે વલસાડ જિલ્લા કલેકટર દ્વારા પણ સૂચન કરતા ટ્વીટર પર ચેતવણી આપવામાં આવી છે.
વલસાડ કલેકટરે ટ્વીટ કરી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચન કર્યું - હિકા વાવાજોડુ
આગામી દિવસોમાં "હિકા" વાવાઝોડુ ગુજરાતમાં ત્રાટકે તેવી શક્યતા છે. હિકા વાવાઝોડાને પગલે વલસાડ કલેક્ટરે માછીમારોને દરિયો નહીં ખેડવા સુચન કર્યું છે.
આગામી દિવસોમાં દરિયામાં સક્રિય થઇ રહેલા વાવાઝોડાને પગલે અગમચેતીના ભાગરૂપે વલસાડ જિલ્લા કલેક્ટરે કાંઠા વિસ્તારમાંથી દરિયામાં માછીમારી કરવા જતાં માછીમારોને ચેતવ્યા છે. આગામી દિવસમાં અરબી સમુદ્રમાં સક્રિય થઈ રહેલા વાવાઝોડાના આગળ વધવાની શક્યતાઓ વધી રહી છે અને આ વાવાઝોડું આગામી 4 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતને અડીને પસાર થાય એવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે.
હવામાન વિભાગે પણ આ વાવાઝોડું ગુજરાતમાં વેરાવળ, દ્વારકા અને કચ્છ વિસ્તારમાં અસર કરે એવી શક્યતાઓ દર્શાવી છે. જેને પગલે સતર્કતાના ભાગરૂપે વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે અને ચેતવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા કલેક્ટરે માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપી છે.