વલસાડ : જિલ્લાના ધરમપુર ખાતે ચાલી રહેલા પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ લોકડાઉનના સમયમાં અનેક લોકો બેરોજગાર બન્યા છે, ત્યારે કોરોનાથી બચવા માટે ઉપયોગમાં આવતા માસ્ક બનાવવાનું કામ તેમણે હાથમાં લીધું, પરંતુ માસ્કની સાથે સાથે વારલી પેઈન્ટિંગના વારસાને પણ જાળવી રાખવા માસ્ક ઉપર વારલી પેઇન્ટિંગ કરાવવાનું શરૂ કરી તેને પણ પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે. તો સાથે સાથે તેના આર્ટિસ્ટોને પણ બે પૈસા લોકડાઉનના સમયમાં મળે તે રીતે કામગીરી શરૂ કરી છે.
ધરમપુરમાં મહિલાઓને રોજગારી સહિત વારલી આર્ટને પહેલ ચેરીટેબલ ટ્રસ્ટનું પ્રોત્સાહન
કોરોનાને લઈને લોકડાઉનના સમયમાં બેરોજગાર બનેલી 200 મહિલાઓને પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માસ્ક બનાવવાનું કામ આપીને રોજગારી પૂરી પાડી છે. આ સાથે ધરમપુર અને કપરાડા વિસ્તારમાં વારલી આર્ટ્સ એટલે કે, આદિવાસી સમાજના રીતિ રિવાજો અને ઉત્સવોને કેનવાસ પર ઉતારી કળાને પણ પ્રોત્સાહન આપવા માસ્ક ઉપર આદિવાસી પેઇન્ટિંગ કરીને આદિવાસી કલાને પણ એક તરફ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ પેઇન્ટિંગ કરનારા આર્ટિસ્ટને પણ લોકડાઉનમાં રોજગારી મળી રહી છે. આમ, ધરમપુરના પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ કરી એક સાથે ચાર જેટલા કામોને સાથે જોડી એક અનોખું અને ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધીમાં પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 200 મહિલાઓને માસ્ક બનાવીને રોજગારી પૂરી પાડવામાં આવી છે. તો સાથે સાથે તેમાં ઉપર પેઇન્ટિંગ કરનારા કલાકારોને પણ લોકડાઉનમાં જરૂરિયાત પૂરતી રકમ પૂરી પાડવામાં આવી છે. મહત્વનું છે કે, તેમના દ્વારા બનાવવામાં આવેલા માસ્ક પર્યાવરણને હાનીકારક નથી એટલે કે ઇકો ફ્રેન્ડલી માસ્ક બનાવવામાં આવી રહ્યા છે અને આ તમામ માસ્ક ખાદીના કપડાનો ઉપયોગ કરીને બનાવી રહ્યા છે.
એક તરફ લોકડાઉનમાં લોકો પોતાના સ્વાસ્થ્ય માટે માસ્કની ખરીદી કરતા હોય, ત્યારે વારલી પેઇન્ટિંગ અને પર્યાવરણને હાનિકારક ન હોય તેવા માસ્ક અનેક લોકો માટે ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે. તો સાથે સાથે તેને ખરીદતાં સખી મંડળની મહિલાઓને પણ તેનો ફાયદો થઈ શકે એમ છે. આમ, પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આ અનોખી પહેલ ધરમપુરના વારલી સંસ્કૃતિને જાળવી રાખવા માટે ઉપયોગી તો છે જ સાથે સાથે મહિલાઓને પણ રોજગારી માટે ઉપયોગી બની રહી છે.