- વાપીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
- નગરપાલિકા પ્રમુખે કર્યું ધ્વજવંદન
- ઝંડા ચોક ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી
વાપી :વાપીના ઝંડા ચોક ખાતે નગરપાલિકા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે ધ્વજવંદન કરી નગરજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા આપી તથા કોરોના મહામારીમાં સાવચેત રહેવા અપીલ કરી હતી.
વિઠ્ઠલ પટેલે ફરકાવ્યો ઝંડો
વાપીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 26મી જાન્યુઆરીએ ઉત્સાહભેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વાપી નગરપાલિકા દ્વારા આયોજિત ધ્વજારોહણ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે ઝંડા ચોક શહિદ સ્મારક ખાતે ત્રિરંગો ફરકાવી સલામી આપી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખે નગરજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા આપી હતી.
કોરોના મહામારીમાં સાવચેત રહેવા તાકીદ કરી
પાલિકા પ્રમુખે દેશની આઝાદીમાં બલિદાન આપનાર શહીદો-પ્રજાસત્તાક પર્વના દિવસ નિમિત્તે બંધારણને ઘડનાર ઘડવૈયાઓ સહિતના તમામ દેશસપૂતોને યાદ કરી કોટિકોટી વંદન કર્યા હતાં. સાથે જ હાલમાં ફેલાયેલ કોરોના મહામારીમાં સાવચેત રહી પોતાની દિનચર્યામાં બદલાવ લાવવા અપીલ કરી હતી.
કોરોનામાં જીવ ગુમાવનાર મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી
પાલિકા પ્રમુખે નગરજનોને પોતાના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, કચરો ફેકતા લોકોને રોકવા માટે ટકોર કરવા આહવાન કર્યું હતું. કોરોના મહામારીમાં જીવ ગુમાવનાર મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી પ્રભુ તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
રાષ્ટ્રગાન સાથે નગરજનોએ ત્રિરંગાને આપી સલામી
વાપીના ઝંડા ચોક ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ, ચીફ ઓફિસર, નગરસેવકો, ફાયર વિભાગના જવાનો, વ્હોરો સમાજના આગેવાનો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વંદેમાતરમ, રાતષ્ટ્રગીતનું ગાન કરી ત્રિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.