વલસાડ જિલ્લાના શિક્ષણ અધિકારીની કચેરીએ વાપીથી મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી આવેદનપત્ર જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપ્યું હતું. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ખાનગી શાળાઓ માટે જે ફી નિયત કરવામાં આવી છે અને FRC કાયદા અનુસાર ધારાધોરણ મુજબ ફી વસૂલવાની હોય છે પરંતુ, વાપીની સ્વામિનારાયણ ગુરુકુળ ચલા સ્કૂલ દ્વારા નક્કી કરેલા નિયત કાયદા કરતાં પણ વધુ પ્રમાણમાં વાલીઓ પાસે વસૂલવામાં આવી રહી છે. જેના કારણે મધ્યમવર્ગના પરિવારના અભ્યાસ કરતાં બાળકો કરતા વાલીઓ વધુ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. જ્યારે અન્ય સ્કૂલોમાં સરકારના કાયદાના ધારાધોરણ મુજબ ફી લેવામાં આવતી હોવાનું જાણવા મળતા રોષે ભરાયેલા વાલીઓ દ્વારા વલસાડ જિલ્લાના શિક્ષણ અધિકારી ને લેખિતમાં આવેદનપત્ર આપી સ્કૂલ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને લેવામાં આવતી ફી ઓછી કરાય તે માટે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
વાપીની ગુરુકુલ સ્કૂલે FRC કાયદાનો કર્યો ભંગ, ફી મામલે વાલીએ શિક્ષણ અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર - વલસાડના જિલ્લા શિક્ષણાધિકારી
વલસાડ: સમગ્ર ગુજરાતમાં ખાનગી શાળાઓ દ્વારા બેફામ ફી વસુલ કરી શિક્ષણને વેપારીકરણ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જેને નાથવા માટે સરકાર દ્વારા FRCનો કાયદો ઘડવામાં આવ્યો છે. છતાં પણ આજે પણ કેટલીક સ્કૂલોએ એવી છે. જે આ કાયદાને ઘોળીને પી જતી હોય છે. જેના કારણે અનેક વાલીઓને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવે છે. સ્વામિનારાયણ ગુરુકુળ વાપીની સ્કૂલ દ્વારા બેફામ ફી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદ સાથે આજે મોટી સંખ્યામાં વાલીઓ વલસાડના જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યુ હતું અને તેમણે માંગ કરી હતી કે, એફઆરસી કરતા પણ વધુ પ્રમાણમાં ફી વસૂલતી આ શાળા સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.
આ સમગ્ર બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી વસાવાએ જણાવ્યું કે,વાલીઓ તેમની સમક્ષ આવે તે પૂર્વે જ આ સમગ્ર બાબતે તેમણે આ સ્કૂલને એક નોટિસ મોકલાવી છે અને જેની અંદર દિન દસમાં ફી ના ધારાધોરણ અંગે ખુલાસો કરવા માટે જણાવવામાં આવ્યું છે અને આ ખુલાસામાં પણ જો ક્યાંક કોઈ કચાશ જણાશે તો આ સ્કૂલ સામે FRC કમિટી દ્વારા યોગ્ય અને કડક પગલાં લેવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.
નોંધનીય છે કે, થોડા દિવસ પૂર્વે સ્વામિનારાયણ ગુરુકુળ ચલા ખાતે ફીના વધારા મામલે વાલીઓએ ભેગા મળી હોબાળો મચાવ્યો હતો. તેમ છતાં પણ આ મામલાનો કોઇ ઉકેલ નહી આવતા આખરે આ તમામ વાલીઓ વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું છે.