વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કાલઇ ગ્રામ પંચાયત વિસ્તારમાં ફોરેસ્ટ ક્રિએટર્સ ગ્રુપ દ્વારા સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી પુલવામાંના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ વન બનાવવામાં આવશે. જેની માટે 40 હજાર વૃક્ષો વાવવાની નેમ સેવનાર ફોરેસ્ટ ક્રિએટર્સ ગ્રૂપના ડૉ. આર. કે. નાયર દ્વારા વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરના હસ્તે વૃક્ષારોપણ કામગીરીની શરૂઆત કરાવી હતી.
આ સાથે પર્યાવરણ પ્રેમીઓને પ્રોત્સાહન આપવા એક સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં વર્ષોથી વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરતાં પર્યાવરણ પ્રેમીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતાં. આ કાર્યક્રમમાં ઔદ્યોગિક એકમો, સંસ્થાઓ અને વ્યક્તિઓએ 'ડેન્સ ફોરેસ્ટ પ્લાન્ટેશન' એવોર્ડ, વિદ્યાર્થીઓ અને બાળકોને 'ગ્રીન એપ્રિસિએશ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વલસાડમાં ગ્રીન એપ્રિસિએશ એવોર્ડ દ્વારા પર્યાવરણ પ્રેમીઓને સન્માનિત કરાયાં આ અવસરે પર્યાવરણ પ્રેમીઓને પ્રોત્સાહન આપતા આદિજાતિ વિકાસ અને વન પ્રધાન રમણ પાટકરે જણાવ્યું હતું કે, "માનવી દ્વારા વિવિધ કારણોસર ધરતી પરથી વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. સાત વૃક્ષોનું ઓક્સિજન એક માનવીને સંપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી છે. આજે વિશ્વમાં એકંદરે તાપમાન વધવાની સાથે ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. પર્યાવરણની અનેક સમસ્યાઓ વધી રહી છે જેનું મૂળ કારણ વૃક્ષોનું નિકંદન છે. તેથી આપણે સૌએ આ બાબતે જાગૃત થઈ વૃક્ષારોપણ વિશે ધ્યાન આપવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછા સાત વૃક્ષો વાવવા જોઇએ."
સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે પર્યાવરણ પ્રેમીઓને એવોર્ડ આપી સન્માનિત કરવાના આ કાર્યક્રમમાં ઉમરગામના RFO પી. યુ. પરમાર, લક્ષ્મી વિદ્યાપીઠના ડાયરેક્ટર બાસવરાજ પાટીલ, રોટરી ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ, પુલવામાના શહીદ વનના ટીમ લીડર અજીત થોમસ, કૉલેજના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.