- ટિકિટ નહીં મળતા મુંડન કરી અનોખો વિરોધ
- ગણપત પટેલને ટિકિટ નહીં મળતા મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો
- વલસાડ તાલુકા પંચાયતની બેઠક ઉપર 6 લોકોએ ભાજપ તરફથી ઉમેદવારી કરવા માટે ટિકિટ માગી હતી
વલસાડઃ વલસાડ તાલુકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સરપંચ રહી ચૂકેલા ગણપત પટેલે આ વખતે તાલુકા પંચાયતની બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે મૂડ બનાવી લીધો હતો. જોકે તેમની સાથે અન્ય 6 જેટલા લોકો પણ ભાજપ તરફથી ઉમેદવારી કરવા માટે ઇચ્છુક હતા. ત્યારે તેમના સેન્સ લેવાયા બાદ આ 6 પૈકી માત્ર એકને ટિકિટ આપવામાં આવતા નારાજ થયેલા પાર્ટીના વફાદાર એવા સૌથી જૂના કાર્યકરોમાં ગર્ભિત રીતે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગણપત પટેલે પોતાનું રોષ અલગ રીતે વ્યક્ત કરી તેમના માથાના તમામ વાળ ઉતારી મુંડન કરી વિરોધ નોંધાવ્યો છે,
છેલ્લા 35 વર્ષથી સતત વફાદાર રહીને કામગીરી કરી
વલસાડ તાલુકાના ચણવઈ, બીનવાડા અને રાબડા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી માટે છેલ્લા 35 વર્ષથી સતત વફાદાર રહીને કામગીરી કરી રહેલા તાલુકાના પૂર્વ પ્રમુખ ગણપત પટેલે ટિકિટ નહીં મળતાં ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના કેટલાક સ્થાનિક હોદ્દેદારોને કારણે જાણીતા લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે, જેના કારણે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને તેની અસર જોવા મળશે. તેઓએ માથે મુંડન કરાવીને અનોખો વિરોધ કર્યો છે. ETV ભારતની ટીમે તેમની મુલાકાત લીધી હતી, ત્યારે ગણપત પટેલે કહ્યું કે, તેઓ ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા વફાદાર રહ્યા છે અને રહેશે પરંતુ સ્થાનિક કેટલાક લોકોએ તેમને ટિકિટ આપવા માટે જીદ પકડી હતી અને જેના કારણ રૂપ મારી ટિકિટ કપાઈ ગઈ હોવાનું મને લાગી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ કારણે તેમણે વિરોધ દર્શાવવા માથે મુંડન કરાવ્યું છે.
આ બેઠક પર કુલ 8800 મતદારો
વલસાડ તાલુકા પંચાયતની ચણવાઈ બેઠક ઉપર 6 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ટિકિટ લેવા માટે ભાજપ તરફથી ઇચ્છુક હતા. આ ઉમેદવારોમાં ગણપત પટેલ, વિપુલ રતિલાલ ભાઈ પટેલ, કાંતિ નાનુભાઈ, રાજુ નાગરભાઈ, દિવ્યેશ પટેલ, અમિત રામુભાઇ પટેલ છે. વલસાડ તાલુકા પંચાયતની ચણવાઈ બેઠક ઉપર ત્રણ ગામ આવેલા છે. જેમાં બિનવાડા, રાબડા અને ચણવાઈનો સમાવેશ થાય છે. જેમાં કુલ 8800 મતદારો છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આગામી દિવસમાં આવી રહેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજનીતિ રમીને અનેક લોકોને ટિકિટો આપવામાં આવી રહી છે. જેને લઇને અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે, પાર્ટીને વફાદાર રહેલા અને કાર્યકરોને પાર્ટીએ કેટલાક કારણો જણાવી સાઇડ ઉપર મૂકી દીધા છે, જેને લઇને આંતરિક રોષ પણ જોવા મળી રહ્યો છે.
વલસાડની ચણવાઈ બેઠક ઉપર ટિકીટ નહીં મળતા માજી તાલુકા ઉપ પ્રમુખે મુંડન કરી વિરોધ નોંધાવ્યો