વલસાડ: પારડી નેશનલ હાઇવે નંબર 48 ચાર રસ્તા ઓવર બ્રિજ ઉપર સુરત તરફના ટ્રેક ઉપર જતી ડમ્પર ટ્રક નંબર GJ 21 y 7116ના ચાલકે કોઈ કારણસર કાબૂ ગુમાવતાં હાઈવેની વચ્ચે આવેલી લોખંડની રેલિંગ તોડી ટ્રક ડિવાઈડર ઉપર ચઢાવી દીધી હતી અને 50થી 55 મીટર જેટલી લોખંડની મોટી રેલિંગને તોડી ડમ્પર ટ્રક મુંબઈ તરફના ટ્રેક ઉપર દોડી ગઇ હતી. સદ્નનસીબે અકસ્માત સમયે મુંબઈ તરફના ટ્રેક ઉપર કોઈ વાહન ન આવતાં મોટી દુર્ઘટના ટળી હતી.
દારૂના નશામાં ધૂત ચાલકે ડિવાઈડર તોડી ડમ્પર રોંગ સાઈડમાં દોડાવ્યું - Pardi Accident
દારૂના નશામાં ધૂત થયેલ ડમ્પરચાલકે પારડી હાઇવે ઉપર ડિવાઈડર કૂદાવી રેલિંગ તોડીને રોંગ સાઇડના ટ્રેક ઉપર ડમ્પર દોડાવ્યું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાનિની ઘટના બની નથી. ઘટના બાદ રેલિંગ હાઇવે ઉપર પડી રહેવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતાં.
આ સમયે પારડીના બીએમડબલ્યુ કારના ચાલક માંડમાંડ અકસ્માતની અડફેટે આવતાં બચી ગયાં હતાં. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતના પગલે આજુબાજુના લોકો દોડી ગયાં હતાં. જોકે ઘટનાસ્થળે હાજર લોકો દ્વારા જાણવા મળેલી વિગતો મુજબ ડમ્પરચાલક નશામાં ધૂત હતો અને કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જ્યો હોવાની વિગતો જાણવા મળી હતી.
પોલીસ પહોંચે તે પહેલા ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. ઘટનાસ્થળે પારડી પોલીસ અને આઇઆરબીનીની ટીમ પહોંચી હતી. ડમ્પર અથડાવા સાથે તૂટેલી 50થી 55 જેટલી લોખંડની રેલિંગને હાઇવે વચ્ચે પડી રહેતાં મુંબઈ તરફના ટ્રેક ઉપર ભારે ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો અને પોલીસે ટ્રાફિક હળવો કરવાની મથામણ હાથ ધરી હતી.