- વાપીમાં રાજસ્થાની યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો
- મૃતકની હત્યા કોણે કરી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી
- મૃતક યુવક છૂટક મજૂરી કરતો હતો
વલસાડ : જિલ્લાના વાપી ટાઉન વિસ્તારમાં મંગળવારે એક યુવકનો મૃતદેહ મળી આવતા ટાઉન પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી તેની ઓળખ કરી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવકનું નામ અમરસિંહ કિડીયા ડામોર હોવાનું અને છૂટક મજૂરી કરવા રાજસ્થાનના બાંસવાડાથી દોઢેક મહિના પહેલા જ વાપીમાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.
વાપીમાં શ્રમજીવી યુવકનો મૃતદેહ મળ્યો આ પણ વાંચો : સુરતમાં બે વર્ષ પહેલા એક યુવકની હત્યા કરનારા શખ્સનો મૃતદેહ મળ્યો
વાપીમાં તેના બહેન-બનેવી સાથે રહેતો હતો
મંગળવારે વાપી ચલા કસ્ટમ રોડ ઉપર બુનમેક્સ સ્કૂલ નજીક ખુલ્લા મેદાનમાં એક યુવકનો મૃતદેહ પડ્યો હોવાની વિગતો વાપી ટાઉન પોલીસને મળતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઇ તપાસ કરી હતી. જે અંગે વલસાડ ગ્રામ્ય વિભાગના DYSP વી. એન. પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, મૃતક યુવકનું નામ અમરસિંહ કિડીયા ડામોર હોવાનું અને છૂટક મજૂરી કરવા રાજસ્થાનના બાંસવાડાથી દોઢેક મહિના પહેલા જ વાપીમાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. વાપીમાં તે તેના બહેન- બનેવી સાથે રહેતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક યુવકના મોઢા અને ગળાના ભાગે ઇજાના નિશાન હતાં. પોલીસે તેમની હત્યા કોણે અને શા માટે કરી છે તે દિશામાં વિવિધ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : વાવમાં પિયર જવાની જીદ કરતી પત્નીનું ગળુ દબાવી પતિએ હત્યા કરી
મૃતક યુવકનો કોઈ સાથે ઝઘડો કે અણબનાવ નહોતો
મૃતક અમરસિંહ ડામોર છેલ્લા ચારેક વર્ષથી વાપીમાં તેના બહેન- બનેવી સાથે રહીને છૂટક મજૂરી કામ કરતો હતો. તેમની પત્ની અને 3 બાળકો રાજસ્થાનના બાસવાડામાં રહેતા હોવાથી તે રાજસ્થાન પોતાના વતન બાંસવાડાથી દોઢેક મહિના પહેલા જ પરત આવ્યો હતો. તેનો કોઈ સાથે ઝઘડો કે અણબનાવ નહિ હોવાનું તેમના બહેન-બનેવીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું. હાલ આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જે વિગતો આવે તે વિગતો આધારે તેમજ આસપાસના CCTV ફૂટેજ, મોબાઇલ સર્વેલન્સ, નજીકના લોકોની પૂછપરછ આધારે આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.