વલસાડઃ ગ્રેફાઈટ અને લાકડામાંથી બનતી પેન્સિલ અનેક રીતે નુકસાનકારી હોવાનું આપણે અનેકવાર સાંભળ્યું છે, પરંતુ વાપીમાં એક દંપતી છે. જેઓ પર્યાવરણને બચાવી તેમાં વધારો કરી શકે તેવી પેન્સિલ બનાવે છે. કિન પેન્સિલ નામની આ પેન્સિલ નકામા છાપામાંથી બને છે. તેને છેડે ફળ-ફૂલ-શાકભાજીના બીજ પેન્સિલના ઉપયોગ બાદ તેનું ઉત્પાદન કરી આપે છે. આ ઈકો ફ્રેન્ડલી પેપર પેન્સિલના આઈડિયા અંગે કુણાલ પિતલિયા અને તેમની પત્ની શ્રુતિ પિતલિયાએ જણાવ્યું હતું કે, આ આઈડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ગો ગ્રીન અભિયાન'માંથી મળ્યો છે. જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
વાપીનું દંપતી બનાવે છે નકામા છાપામાંથી ઈકો પેન્સિલ, જૂઓ વિશેષ અહેવાલ... - eco-friendly pencils from the dirty print
પ્રદૂષણ ફેલાવવામાં બદનામ વાપી GIDCમાં એક એવું વેપારી દંપતી છે. જેણે પર્યાવરણ જાગૃતિ માટે વેપારને જ તેનું માધ્યમ બનાવ્યું છે. વાપીમાં આ દંપતી કિન પેન્સિલનું ઉત્પાદન કરે છે. જે પેન્સિલ નકામા છાપામાંથી બનાવેલી ઈકો ફ્રેન્ડલી તો છે જ, સાથે સાથે તેના છેડે રહેલા ફળ-ફૂલ અને શાકભાજીના બીજ ઘરે કે ગાર્ડનમાં ઉગાડી તેને હરિયાળું કરી શકાય છે. વડાપ્રધાન મોદીના "ગો ગ્રીન અભિયાન"માંથી આવેલા આ આઈડિયા અંગે જૂઓ વિશેષ અહેવાલ
આ પેન્સિલ ન્યૂઝ પેપરને રિસાયકલ કરી બનાવવામાં આવે છે. જેને રોલિંગ ટેકનોલોજી કહેવામાં આવે છે. પેપરના છેડે તુલસી, ધાણા, મેથી, ગલગોટા, ટામેટાના બીજ એક પ્લાસ્ટિક કવરમાં પેક હોય છે. જે પેન્સિલના ઉપયોગ બાદ કુંડામાં નાખી દેવાથી તે બીજના અંકુર ફૂટે છે, અને છોડ બને છે. આ પ્રયોગથી બાળકોને પણ પર્યાવરણ પ્રત્યે જાગૃત કરી શકાય છે. હાલ આ પેપર પેન્સિલનો શાળા કોલેજોમાં જોઈએ તેવો પ્રતિસાદ નથી મળ્યો, પરંતુ કોર્પોરેટ ક્ષેત્રે ખૂબ સારા ઓર્ડર આવતા હોવાનું પિતલિયા દંપતીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કુણાલ અને શ્રુતિ માત્ર પેન્સિલ જ નહીં, પરંતુ આવી જ પેપર પેન અને બુક્સ બનાવે છે. જેમાં પણ વિવિધ ફળ-ફૂલ-શાકભાજીના બીજ સામેલ કરે છે. જેનો ઉપયોગ કર્યા બાદ તેને કુંડામાં નાખી વિવિધ પ્રકારની શાકભાજી, ફૂલ અને ફળના છોડનો ઉછેર કરી શકાય છે.